Thursday, September 4, 2008

સંકટનાશન ગણેશ સ્તોત્રમ્


॥ श्रीगणेशाय नमः ॥
नारद उवाच ।
નારદ ઉવાચ ।
प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकम् ।
भक्तावासं स्मरेनित्यं आयुःकामार्थसिद्धये ॥ १॥
પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ ।
ભક્તાવાસં સ્મરેનિત્યં આયુઃકામાર્થસિદ્ધયે ॥ ૧॥
ભાવાર્થ - ગૌરી-પાર્વતીના પુત્ર વિનાયક ગણપતિ દેવને પ્રણામ કરી આયુષ્ય કામના માટે અને સર્વ કાર્યની સિદ્ધિ અર્થે ભક્તોના આવાસ સ્થાનરૂપ ગણપતિનું નિત્ય સ્મરણ કરવું.
प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकम् ।
तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकम् ॥ २॥
પ્રથમં વક્રતુણ્ડં ચ એકદન્તં દ્વિતીયકમ્ ।
તૃતીયં કૃષ્ણપિઙ્ગાક્ષં ગજવક્ત્રં ચતુર્થકમ્ ॥ ૨॥
ભાવાર્થ - પહેલા વક્રતુંડને, બીજા એકદંતને, ત્રીજા કૃષ્ણપિંગાક્ષને, ચોથા ગજક્ત્રને...
लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च ।
सप्तमं विघ्नराजेन्द्रं धूम्रवर्णं तथाष्टमम् ॥ ३॥
લમ્બોદરં પઞ્ચમં ચ ષષ્ઠં વિકટમેવ ચ ।
સપ્તમં વિઘ્નરાજેન્દ્રં ધૂમ્રવર્ણં તથાષ્ટમમ્ ॥ ૩॥
ભાવાર્થ - પાંચમા લંબોધરને, છઠ્ઠા વિકટને, સાતમા વિઘ્નરાજને અને આઠમા ધૂમ્રવર્ણને...
नवमं भालचन्द्रं च दशमं तु विनायकम् ।
एकादशं गणपतिं द्वादशं तु गजाननम् ॥ ४॥
નવમં ભાલચન્દ્રં ચ દશમં તુ વિનાયકમ્ ।
એકાદશં ગણપતિં દ્વાદશં તુ ગજાનનમ્ ॥ ૪॥
ભાવાર્થ - નવમા ભાલચંદ્રને, દશમા વિનાયકને, અગિયારમા ગણપતિને અને બારમા ગજાનનને...
द्वादशैतानि नामानि त्रिसंध्यं यः पठेन्नरः ।
न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरः प्रभुः ॥ ५॥
દ્વાદશૈતાનિ નામાનિ ત્રિસંધ્યં યઃ પઠેન્નરઃ ।
ન ચ વિઘ્નભયં તસ્ય સર્વસિદ્ધિકરઃ પ્રભુઃ ॥ ૫॥
ભાવાર્થ - જે માણસ આ બાર નામોનો પ્રાતઃકાળે, મધ્યાહનકાળે અને સાયંકાળે જપ કરે છે તેને વિઘ્નનો ભય રહેતો નથી અને દરેક કાર્યમાં તેને સિદ્ધિ મળે છે.
विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनम् ।
पुत्रार्थी लभते पुत्रान्मोक्षार्थी लभते गतिम् ॥ ६॥
વિદ્યાર્થી લભતે વિદ્યાં ધનાર્થી લભતે ધનમ્ ।
પુત્રાર્થી લભતે પુત્રાન્મોક્ષાર્થી લભતે ગતિમ્ ॥ ૬॥
ભાવાર્થ - વિદ્યાર્થી પાઠ કરે તો વિદ્યાને મેળવે, ધનની ઇચ્છાવાળો પાઠ કરે તો ધનને મેળવે, પુત્રની ઇચ્છાવાળો પાઠ કરે તો પુત્ર-સંતાન મેળવે, અંતે મોક્ષની ઇચ્છાવાળો પાઠ કરે તો ગતિ મોક્ષને મેળવે છે.
जपेद्गणपतिस्तोत्रं षड्भिर्मासैः फलं लभेत् ।
संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयः ॥ ७॥
જપેદ્ગણપતિસ્તોત્રં ષડ્ભિર્માસૈઃ ફલં લભેત્ ।
સંવત્સરેણ સિદ્ધિં ચ લભતે નાત્ર સંશયઃ ॥ ૭॥
ભાવાર્થ - જે માણસ આ ગણપતિ સ્તોત્રનો પાઠ કરે છે, તેને આ સ્તોત્રનો પ્રારંભ પછી છઠ્ઠે માસે ફળ મળે છે, અને એક વર્ષે સંપૂર્ણ સિદ્ધિને એ માણસ મેળવે છે એમાં સંશય નથી. પરંતુ આ પાઠની શરૂઆત કર્યા પછી એક પણ દિવસ વચમાં ગાળો પડે નહિ એનું ખાસ ધ્યાન રાખવું અને એમ થાય તો ફરીથી શરૂઆત કરવી જોઇએ.
अष्टेभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा यः समर्पयेत् ।
तस्य विद्या भवेत्सर्वा गणेशस्य प्रसादतः ॥ ८॥
અષ્ટેભ્યો બ્રાહ્મણેભ્યશ્ચ લિખિત્વા યઃ સમર્પયેત્ ।
તસ્ય વિદ્યા ભવેત્સર્વા ગણેશસ્ય પ્રસાદતઃ ॥ ૮॥
ભાવાર્થ - જે માણસ આઠ બ્રાહ્મણને આ સ્તોત્ર લખીને આપે છે, એને ગણેશની કૃપાથી સર્વ વિદ્યા પ્રાપ્ત થાય છે.
॥ इति श्रीनारदपुराणे संकटनाशनं गणेशस्तोत्रं संपूर्णम् ॥
॥ ઇતિ શ્રીનારદપુરાણે સંકટનાશનં ગણેશસ્તોત્રં સંપૂર્ણમ્ ॥

શ્રી રુદ્રાષ્ટકમ

नमामीशमीशान निर्वाणरूपं विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपम् ।
निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेऽहम् ॥१॥
[ભાવાર્થ] - હે મોક્ષ સ્વરૂપ, વિભુ, વ્યાપક, બ્રહ્મ અને વેદ સ્વરૂપ, ઈશાન દિશાના ઈશ્વર તથા સૌના સ્વામી શ્રી શિવજી! હું આપને નમસ્કાર કરું છું. નિજસ્વરૂપમાં સ્થિત (અર્થાત્ માયા આદિ રહિત), (માયા આદિ) ગુણોથી રહિત, ભેદ રહિત, ઇચ્છા રહિત, ચેતન આકાશ સ્વરૂપ તથા આકાશને જ વસ્ત્ર રૂપ ધારણ કરનાર (અથવા આકાશને પણ આચ્છાદિત કરનાર) હે દિગંબર, હું આપને ભજુ છું.
निराकारमोंकारमूलं तुरीयं गिरा ज्ञान गोतीतमीशं गिरीशम् ।
करालं महाकाल कालं कृपालं गुणागार संसारपारं नतोऽहम् ॥२॥
[ભાવાર્થ] - નિરાકાર, ૐ-કારના મૂળ, તુરીય (ત્રણ ગુણોથી અતીત), વાણી, જ્ઞાન અને ઇન્દ્રિયોથી શ્રેષ્ઠ, કૈલાસપતિ, વિકરાલ, મહાકાલથી પણ કાલ, કૃપાળુ, ગુણોના ધામ, સંસારથી શ્રેષ્ઠ હે પરમેશ્વર, હું આપને નમસ્કાર કરું છું.
तुषाराद्रि संकाश गौरं गभीरं मनोभूत कोटिप्रभा श्री शरीरम् ।
स्फुरन्मौलि कल्लोलिनी चारु गङ्गा लसद्भालबालेन्दु कण्ठे भुजङ्गा ॥३॥
[ભાવાર્થ] - જે હિમાચલની સમાન ગૌરવર્ણ તથા ગંભીર છે, જેમના શરીરમાં કરોડોં કામદેવોની જ્યોતિ તથા શોભા છે, જેમના મસ્તક પર સુંદર નદી ગંગાજી વિરાજમાન છે, જેમના લલાટ પર બાળ ચંદ્રમા (બીજનો ચંદ્ર) અને ગળામાં સર્પ સુશોભિત છે.
चलत्कुण्डलं भ्रू सुनेत्रं विशालं प्रसन्नाननं नीलकण्ठं दयालम् ।
मृगाधीशचर्माम्बरं मुण्डमालं प्रियं शंकरं सर्वनाथं भजामि ॥४॥
[ભાવાર્થ] - જેમના કાનોમાં કુંડળ ઝૂમી રહ્યા છે, સુંદર ભ્રુકુટી અને વિશાળ નેત્ર છે; જે પ્રસન્ન મુખ, નીલકંઠ અને દયાળું છે; સિંહચર્મનું વસ્ત્ર ધારણ કર્યું છે અને મુંડમાળા પહેરી છે, સૌના પ્રિય અને સૌના નાથ, કલ્યાણ કરનાર, શ્રી શિવજીને હું ભજુ છું.
प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परेशं अखण्डं अजं भानुकोटिप्रकाशम् ।
त्रयः शूल निर्मूलनं शूलपाणिं भजेऽहं भवानीपतिं भावगम्यम् ॥५॥
[ભાવાર્થ] - પ્રચંડ (રુદ્રરૂપ), શ્રેષ્ઠ, તેજસ્વી, પરમેશ્વર, અખંડ, અજન્મા, કરોડોં સૂર્યો સમાન પ્રકાશ વાળા, ત્રણે પ્રકારના શૂળો (દુઃખો) ને નિર્મૂળ કરનાર, હાથમાં ત્રિશૂલ ધારણ કરેલ, ભાવ-પ્રેમ દ્વારા પ્રાપ્ત થવાવાળા, હે ભવાનીપતિ શ્રી શિવ શંકર, હું આપને ભજુ છું.
कलातीत कल्याण कल्पान्तकारी सदा सज्जनानन्ददाता पुरारी ।
चिदानन्द संदोह मोहापहारी प्रसीद प्रसीद प्रभो मन्मथारी ॥६॥
[ભાવાર્થ] - કલાઓથી શ્રેષ્ઠ, કલ્યાણ સ્વરૂપ, કલ્પનો અંત (પ્રલય) કરનાર, સજ્જનોને સદા આનંદ આપનાર, ત્રિપુરના શત્રુ સચ્ચિદાનન્દઘન, મોહને હરનાર, મનને મથનાર કામદેવના શત્રુ, હે પ્રભુ! પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ.
न यावत् उमानाथ पादारविन्दं भजन्तीह लोके परे वा नराणाम् ।
न तावत् सुखं शान्ति सन्तापनाशं प्रसीद प्रभो सर्वभूताधिवासम् ॥७॥
[ભાવાર્થ] - જ્યાર સુધી, હે પાર્વતી પતિ, મનુષ્ય તમારા ચરણકમળોને નથી ભજતા, ત્યાર સુધી તેને ઇહલોક (પૃથ્વી) અને પરલોકમાં સુખ-શાંતિ નથી મળતી અને ન તો એના તાપોનો નાશ થાય છે. તેથી હે સમસ્ત જીવોની અંદર (હ્રદયમાં) નિવાસ કરનાર પ્રભુ! પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ.
न जानामि योगं जपं नैव पूजां नतोऽहं सदा सर्वदा शम्भु तुभ्यम् ।
जरा जन्म दुःखौघ तातप्यमानं प्रभो पाहि आपन्नमामीश शम्भो ॥८॥
[ભાવાર્થ] - હું ન તો યોગ જાણું છું, ન જપ અને ન પૂજા. હે શિવ શંભુ ! હું તો નિરંતર-હંમેશા આપને જ નમસ્કાર કરું છું. હે પ્રભુ! વૃદ્ધત્વ તથા જન્મ-મૃત્યુના દુઃખસમૂહોથી બળતા મુજ દુખીની દુઃખથી રક્ષા કરો. હે ઈશ્વર! હે શંભુ! હું આપને નમસ્કાર કરું છું.
रुद्राष्टकमिदं प्रोक्तं विप्रेण हरतोषये ।
ये पठन्ति नरा भक्त्या तेषां शम्भुः प्रसीदति ॥
[ભાવાર્થ] - બ્રાહ્મણો દ્વારા ભગવાન રુદ્રની આ સ્તુતિ એ શંકરજીની તુષ્ટિ (પ્રસન્નતા) કહેવમાં આવી છે. જે મનુષ્ય આ સ્તુતિનો ભક્તિપૂર્વક પાઠ કરે છે, તેના પર ભગવાન શંભુ પ્રસન્ન થાય છે.
॥ इति श्रीगोस्वामितुलसीदासकृतं श्रीरुद्राष्टकं संपूर्णम् ॥
શ્રી ગોસ્વામી તુલસીદાસ દ્વારા કૃત શ્રી રુદ્ર અષ્ટક સંપૂર્ણ થાય છે.

શિવમહિમ્ન સ્તોત્ર - પુષ્પદંત


શ્રી ગણેશાય નમ: પુષ્પદંત ઉવાચ
મહિમ્ન: પાર તે પરમ વિદુષો યદ્યયસદશોસ્તુતિ બ્રહ્માદિનામપિ તદવસન્નાસ્ત્વયિ ગિર: અથાડવાચ્યા: સર્વ: સ્વમતિ પરિમાવધિ ગૃણન્મમાપ્યેવ સ્તોત્રે હર: નિરપવાદ: પરિકર: 1
અર્થ : હે ભગવાન ! આપના નિર્ગુણ સ્વરૂપના મહિમાનો પાર પુરુષો જાણતા નથી, કારણકે આપના નિર્ગુણ સ્વરૂપ મનવાણીથી પર છે, તેમજ આપને પુરુષોએ કરેલી સ્તુતિ પણ વર્ણવી શકતી નથી. બ્રહ્માદિનો સંસ્કૃતભાષાનો શબ્દભંડાર પણ આપનું નિર્ગુણ સ્વરૂપ વર્ણવી શકતો નથી. બ્રહ્માદિકની વાણી પણ હે હર ! તમને વર્ણવવા માટે સમર્થ નથી, પક્ષી જેમ પોતપોતાની શક્તિ પ્રમાણે ઊડે છે, તે જ પ્રમાણે સર્વ જન પોતપોતાની બુદ્ધિને અનુસરીને આપની સ્તુતિ કરે છે. તેથી સર્વે સ્તુતિ કરનારાઓ તેમનો દોષ હોય તો પણ નિર્દોષ છે, આ મહિમ્નસ્તોત્ર બાબત મારો પ્રયત્ન પણ તે જ દ્રષ્ટિનો નિર્દોષ છે.
અતીત: પંથાન તવ ચ મહિમા વાડમનસયો –રતદ્વયાવૃત્યા યં ચકિતમભિધત શ્રુતિરપિસંકરસ્ય સ્તોતવ્ય: કતિવિધગુણ: કસ્ય વિષય:પદે ત્વાર્ચાચીને પતિત ન મન: કસ્યા ન વચ: 2
અર્થ : ‘હે ભગવાન ! આપનો મહિમા, મન તથા વાણી વડે જાણવામાં આવતો નથી અને આપના મહિમાનું શ્રુતિઓ પણ ગૌરવપૂર્વક એ જ રીતનું વર્ણન કરે છે. વાક્ય વડે ભેદ સગુણ સ્વરૂપનો નિષેધ કરવા છતાં બીજા અર્થ વડે સગુણ વસ્તુનું પ્રતિપાદન પણ કરે છે. આપનો એ રીતનો અપાર મહિમા વર્ણવવાને કોઈ પુરુષ શક્તિમાન નથી. તેમજ આપ કોઈપણ પુરુષને ઈન્દ્રિયગોચર પણ નથી. આમ તમારું નિર્ગુણ સ્વરૂપ બધાને અગમ્ય છે અને તમારા સગુણ સ્વરૂપને વર્ણવવા માટે સંસ્કૃતાદિ ભાષાઓમાં શક્તિ નથી, તે છતાં તમારા સગુણ સ્વરૂપની તો શંકર ! બધા જ સ્તુતિ કરે છે.
મધુસ્કીતા વાચ: પરમમૃતં નિર્મિતવત્સ્તવ બ્રહ્મનિક વાગપિ સુરગુરોર્વિસ્મય પદમ્ મમ ત્વેતા વાણી ગુણકથનપુણ્યેન ભવત:પુનામીત્યર્થેડસ્મિનપુરમથન ! બુદ્ધિર્વ્યોચસિતા: 3
અર્થ : ‘હે ભગવાન ! મારી સ્તુતિ તમને કોઈ પણ પ્રકારે યથાર્થ વર્ણવી શકતી નથી, કારણકે તમે વેદોની મધ જેવી મધુર વાણીનો રચાયિતા છો. હે ભગવાન ! વાણીના ભંડાર રૂપ બ્રહ્માદિની સ્તુતિ પણ ખુશ ન કરી શકે, તો મારી સ્તુતિ તમને ક્યાંથી સંતોષ આપી શકે ? હું આ બધું જાણું છું. છતાં તમારી સ્તુતિ કરું છું, કારણ એ છે કે, હું તમારા સ્તવનથી મારી વાણીને નિર્મળ કરું છું એમ જ હું માનું છું. મારી વાણીથી તમે આનંદ પામો એ મારી ધરણા જ નથી. આ જ કારણથી હું તમારી સ્તુતિ કરવા પ્રવૃત્ત થયો છું.
તવૈશ્વર્ય યત્તજયગદુદયરક્ષાપ્રલયકૃતત્રયી વસ્તુ વ્યસતં તિસૂષુ ગુણભિન્નાસુ તનુષુ અભવ્યાનામસ્મિન્વરદ ! રમણોયામરમણીવિરંતુ વ્યક્તોશીં વિદધત ઈહૈકે જડધિય 4
અર્થ : હે ભગવાન ! આપનું ઐશ્વર્ય જુદે જુદે રૂપે જુદા જુદા ગુણોએ કરીને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ – એ ત્રણે વ્યક્તિમાં આરોપિત છે. અને તે બ્રહ્મા વિષ્ણુ તથા રુદ્ર, સત્વ, રજસ અને તમસ –એ ત્રણે ગુણો વડે જુદે જુદે રૂપે પ્રતિત થાય છે. વળી, એ ઐશ્વર્ય ત્રણે લોકથી ઉત્પત્તિ સ્થિતિ તથા ત્રણેનો પ્રલય કરવા છતાં બ્રહ્મા, વિષ્ણુ તથા રુદ્ર રૂપે રહે છે. હે ભગવાન ! તમારું રૂપ ન સમજી શકવાના કારણથી જડબુદ્ધિવાળાઓ આપના ઐશ્વર્યની નિન્દા કરે છે, અને નિંદા પાપી પુરુષોને લાગે છે, પરંતુ આપના સર્વજ્ઞાતિ ગુણયુક્ત ઐશ્વર્યની નિંદા શુદ્ધ મુમુક્ષુઓને અતિ અપ્રિય લાગે છે.
કિમીહ: કિકાર્ય સ ખલુ કિમુપાયસ્ત્રિભુવનંકિમાધારો ધાતા સૂજતિ વિમૂપાક્ષ ન ઈતિ ચ આતકયૈશ્વર્થે તવય્યનવ સરયુ:સ્યો હતવિય:કુતર્કોર્ય કાશ્રિન્સુખરયતિ મોહાય જગત: 5
અર્થ : ‘હે ભગવાન ! પરમેશ્વર ત્રણ ભુવનની ઉત્પત્તિ કરે છે. પરંતુ જડબુદ્ધિવાળાઓ ‘જગતને ઉત્પન્ન કરવા બાબત શી ક્રિયા થતી હશે, તે ક્રિયા ક્યા પ્રકારની હશે, તેના અમલમાં ક્યા ક્યા પ્રકારો યોજાયા હશે, જગતનો આધાર તણા જગતને ઉત્પન્ન કરવામાં નિમિત્ત અને ઉપાદાન કારણ શું હશે ?’ આવો કુતર્ક કરે છે, પ્રભુ, એ કુતર્કનું તાત્પર્ય એ છે કે, જગતભરના આપણા ભક્તોના ચિત્તને ભ્રમણા પમાડવી. આપને વિષે આવા કુતર્ક એ જ અયોગ્ય છે, કારણકે આપ તો અચિંત્ય માહાત્મયથી યુક્ત છો.
અજન્માનો લોકા: કિમવ વંતોડપિ જગતામધિષ્ઠાતરં કિં ભવવિધિરનાદત્ય ભવતિ અનીશો વા કુર્યાદભુવનજનને ક: પરિકરોવ તો મદાસત્વા પ્રત્યમરવર ! સંશેરક ઈમેં 6
અર્થ : હે ભગવાન ! આપ સર્વદેવોમાં શ્રેષ્ઠ છો, છતાં ‘આ દ્રશ્યમાન સપ્તલોક સાકાર છે. આમ જગત સાકાર હોવા છતાં અજન્મા હશે એ સંભવિત નથી, કારણકે જે સાકાર વસ્તુ છે તેનો જન્મ પણ હોય છે જ. જેમ ઘડો સાકાર છે, તેથી તે ઉત્પત્તિમાન છે, તેમ આ જગત અધિષ્ઠાન પરમેશ્વરની અપેક્ષા વગર ઉત્પન્ન કેવી રીતે થયું હશે, ઈશ્વર સિવાય બીજો કોઈ જગતકર્તા હશે !’ બ્રહ્માંડને ઉત્પન્ન કરવામાં આપ વિષે અનેક પ્રકારના સંદેહ મૂઢજનોમાં થાય છે. પરંતુ આપને વિષે સંશય કરવો યોગ્ય નથી. તેમજ આપ કરતાં બીજો કોઈ સમર્થ પણ નથી.
ત્રયી સાંખ્યયોગ: પશુપતિમતં વૈષ્ણનમિતિપ્રભિન્ને પ્રસ્થાને પરમિદમદ: પથ્યમિતિ ચ રુચિનાં વૈચિત્ર્યાદ્દજકુટિલનાનાપથનુષાંનૃણાંમેકો ગમ્યસ્ત્વસિ પયસામર્ણવ ઈત્ર 7
અર્થ : ત્રણ વાક્યો વડે ત્રણ વેદ તમારી પ્રાપ્તિનો માર્ગ બતાવે છે. સાંખ્ય વડે કપિલ, યોગશાસ્ત્રદ્વારા પતંજલિમુનિ તથા ન્યાય વૈશેષિક શાસ્ત્રદ્વારા ગૌતમ કણાદમુનિ પશુપતિ વડે શૈવો, તથા નારદ-જેઓ ‘નારદપંચરાત્ર’ ના રચનાર છે તેઓ વૈષ્ણવ મત દ્વારા તમારી પ્રાપ્તિના ભિન્ન ભિન્ન માર્ગ બતાવે છે. આ મુખ્ય પાંચ ભેદ છે. અને સકલ મતવાદીઓ અહંકાર વડે પોતપોતાના સિદ્ધાંતને જુદા માને છે, પરંતુ જેમ સર્વ નદીઓના જળ પૃથક્ પૃથક્ માર્ગો વડે એક સમુદ્રમાં મળી જાય છે તેમ અધિકારી ભેદ વડે આપ એક પ્રભુ સઘળા જ મુમુક્ષુઓને પ્રાપ્ત થાઓ છો.
મહોક્ષ: ખટવાંગં પરશુરજિનં ભસ્મ ફણિન:કપાલં ચતીયતવ વરદ ! તંત્રીપકરણમ્ સુરાસ્તાં તામૃદ્ધિ દધતિ તુ ભવદભ્રૂપ્રણિહિતાંનહિ સ્વાત્મારામ વિષયમૃગતૃષ્ણા ભ્રમયતિ 8
અર્થ : ‘હે વરદાન આપનાર : નંદી ખટવાંગ ફરશી, વ્યાધચર્મ, ભસ્મ, સર્પ, કપાળ વગેરે તારા જીવનનિર્વાહનાં સાધનો છે. છતાં તેં આપેલી સંપત્તિને રાજાઓ પણ ભોગવે છે. અભયના દાતા ! વિષયો ઝાંઝવાના જળ જેવા છે. તે આત્માથી જ પ્રસન્ન એવા યોગીને બ્રહ્મનિષ્ઠાથી ચલાયમાન કરી શકતા નથી.
ધૃવં કશ્ચિત્સર્વં સફલમપરસ્ત્વદધૃવમિદંપરો ધ્રૌવ્યાધ્રૌવ્યે જગતિ ગદતિ વ્યસ્તવિષયે સમસ્તેષ્યેતસ્મિન્પુરમથન ! તેવિ સ્મિત ઈવસ્તુવન્જિહોમ ત્વાં ન ખલુ નનુ ધૃષ્ટા મુખરતા 9
અર્થ : ‘હે પુરમથન ! કેટલાક સાંખ્ય અને પાતંજલ મતવાળા મિમાંસકો સર્વ જગતને નિત્ય અનિત્ય માને છે, બીજા મતવાળા નાસ્તિકો આ જગતને નિત્યાનિત્ય માને છે. એ રીતે ભિન્ન ભિન્ન મતવાદી લોકો આ જગતને ભિન્ન ભિન્ન પ્રકૃતિ માને છે. આ ભિન્ન ભિન્ન મતોવાળા તમારા સ્વરૂપને જાણતાં નથી. તેમજ હું પણ સ્વરૂપને જાણતો નથી. તો હું મારી હાંસી થવાનો ભય તજીને તમારી જ પ્રાર્થના મારા શબ્દોથી કરું છું.
તવૈશ્વર્ય યત્નાધદુપર વિરંચિહરિરધ:પરિચ્છેતુંયાતાવતલમનલસ્કંધવપુષ: તતો ભક્તિશ્રદ્ધા ભરગુરૂગણદભ્યાં ગિરિશ ! યત્ સ્વયંતસ્થેતાભ્યાંતવકિથમુવૃતિન ફલતિ 10
અર્થ : ‘આપના ઐશ્વર્યનો અંત લેવા સારુ બ્રહ્મદેવ આકાશ તરફ અને વિષ્ણુ પાતાળમાં ગયા હતા. પરંતુ ઉભયમાંના કોઈને પણ આપની લીલાનો અંત પ્રાપ્ત થયો નહિ, કારણકે આપ પ્રભુ તો વાયુ અને અગ્નિ છો, તેમાં વાયુગત્વગયંત લિંગનું મૂળ છે. બ્રહ્મદેવ માત્ર બ્રહ્માંડના અને વિષ્ણુ માત્ર જળ તત્વના નિવાસ છે. માટે આપનું ઐશ્વર્ય જાણવાને કોઈ સમર્થ થતા નથી. અને એ બ્રહ્મા વિષ્ણુના અંતરમાં આપ સ્વત: પ્રાકટ્ય માનો છો. તેથી જ બ્રહ્મા અને વિષ્ણુ શ્રદ્ધા અને ભક્તિ વડે આપની સ્તુતિ કરે છે. હે ભગવાન ! આપની સેવા ફળની પ્રાપ્તિ કરતી નહિ હોય, એમ માનવું એ કેવળ મૂર્ખતા છે. આપ ઈશ્વરની ભક્તિ તો સાક્ષાત્ પરંપરાગત ફળને આપનારી છે.
અત્યનાપાદાપાદ્ય ત્રિભુવનમવૈરતધ્યતિકરંદશાસ્યો દયબાહૂનમૃત રણકુંડપરવશાન શિર: પદ્મશ્રણી રચિતચરણામ્ભોરુંહબલેસ્થિરાયાસ્ત્વબદભક્તસ્ત્રિપૂરંહર ! વિસ્ફૂર્જિતમિદમ્ 11
અર્થ : હે ત્રિપુરવિનાશક ! યુદ્ધની ઈચ્છાને લીધે સદા ઉન્મત થઈ રહેલા વીસ હજાર ભુજાઓ યુક્ત રાવણને યંત્રહિતપણે નિ:શત્રુયુક્ત ત્રિભુવનનું રાજ્ય પરાક્રમ માત્ર આપની સ્થિર ભક્તિને જ આભારી છે. એ ભક્તિ એવી છે કે, રાવણે પોતાનાં દશ મસ્તક પોતાની હાથે જ છેદી, તેની પંક્તિ કરી કમળની પેઠે આપ પ્રભુને ચરણે બલિદાન આપ્યાં હતાં. વિશેષ કરીને આપનું પૂજન સકળ વસ્તુની અધિકતાથી પ્રાપ્ત થવાના હેતુ રૂપે છે.
અમુષ્ય ત્વસેવાસમધિગતસાર ભુજવનંબલાત્કેલાસેડપિ ત્વદધિવસંતૌ વિક્રમયત: અલભ્યા પાતાલેડપ્યલસચલિતાંગુષ્ઠશિરસિપ્રતિષ્ઠા ત્વય્યાસીદધ્રુવમુપચિતો મુહયતિ ખલ: 12
અર્થ : હે ભગવાન ! રાવણ આપની સમીપ કૈલાસમાં વસતો હતો, ત્યારે પણ તે પોતાની વીસ ભુજાઓનું પરાક્રમ દેખાડતો હતો. આપના બળને લીધે એ પાતાળમાં ટકી શક્યો નહિ. આપની સેવાભક્તિને લીધે રાવણને બળ પ્રાપ્ત થયું. રાવણના મસ્તક પર અનાયાસે અંગૂઠાનો ભાર રાવણથી સહન ના થવાથી પાતાળમાં રહેવાયું નહિ. વિશેષ કરીને પારકા ઐશ્વર્યને પામેલા જે દુષ્ટ જન મોત પામે, તેમને મહાપુરુષની કૃપા ફલદાતા થતી નથી.
યદ દ્વિં સુત્રામણો વરદ ! પરમોચ્ચેરપિ સતીમધશ્ચકે બાણ: પરિજનવિધેયત્રિભુવન: ન તિચ્ચિત્રં તસ્મિન્વરિવસિતરિ ત્વચ્વરણયોનંકસ્યાં ઉન્નત્મૈ ભવતિ શિરસ્ત્વન્યવનતિ 13
અર્થ : હે વરદાતા પ્રભુ ! ઈન્દ્રથી પણ અતિ ઉત્કૃષ્ટ સમૃદ્ધિથી ભરેલા આ ત્રણે ભુવનોને દાસત્વપણે વરતાવનારો બાણાસુર પાતાળમાં લઈ ગયો હતો એમાં કોઈ આશ્ચર્ય નથી. કારણ કે તે આપણાં ચરણની પૂજા કરનારો હતો, જે જનો આપને વંદે છે, તેઓને ફળની પ્રાપ્તિ થાય છે એ પ્રત્યક્ષ છે.
અકાંડ બ્રહ્માંડ ક્ષયચકિતદેવાસુરકૃપા -વિધેયયસ્યાસીધસ્ત્રિમયન ! વિષં સંહૃસવત: સ કલ્માષ: કંઠે તવ ન કુરુતે ન શ્રિયમહોવિકારોડપિશ્લાધ્યો ભુવનમયભગડ યસનિન: 14
અર્થ : હે ત્રિનયન ! આપે કૃષ્ણ પડુંર વર્ણના વિષનું પાન કર્યું છતાં એ વિષ આપના કંઠમાં જ સ્થિર રહ્યું હોવાથી તે આપને અતિશય શોભા આપે છે. કાળ સમયે આવેલા બ્રહ્માંડ નાશને દેખીને દેવો તથા અસુરો ભય પામવા લાગ્યા. તેમજ દેવ તથા અસુરોના કલેશના સારું આપે કૃપા કરીને વિષનું પાન કર્યું તો પ્રભુ ! સંસારીજનોનાં દુ:ખ દૂર કરવાનું આપને વ્યસન જ છે.
અસિદ્ધાર્થા નૈવ કચિદપિ સદેવાસુરનરેનિવર્તન્તે નિત્યં જગતિ જયિનો યસ્ય વિશિખા:સ પશ્યન્નીશ ! ત્વામિતરસુધારણમભૂતસ્મર: સ્મર્તવ્યાત્માન હિ વિશિષુ પથ્ય: પરિભવ: 15
અર્થ : હે ઈશ ! કામદેવનું બાણ ભાલા રહિત છે. તેનું બાણ આ જગતમાં દેવ અસુર તથા નરલોકને જીતવાને નિષ્ફળ ન થતાં સર્વને વશ કરે છે. આપની સાથે પણ કામદેવ બીજા ઈન્દ્રાદિદેવોની પેઠે વર્તવા લાગ્યો છે, તેથી તેનું આપે દહન કર્યું અને સ્મરણ માત્રનું જ કામદેવનું શરીર બાકી રાખ્યું. એ કનિષ્ટ થયો એનું કારણ માત્ર જિતેન્દ્રિય પુરુષોને ભય પમાડવાનું છે. એ સુખનો હેતુ નથી, કારણકે ઈશ્વરનો અનાદર એ વિનાશકારક છે.
મહી પાદાતાદ વ્રજતિ સહસા સંશયપદંપદં વિષ્ણોર્ભ્રામ્યદ ભુજપરિઘરૂગ્ણગ્રહણમ્ મુહુધૌ દૌસ્થ્યં યાત્યનિભૃતિજટાનાડિતતટાજગદ્રક્ષાયૈત્વં નટસિ નનું વામય વિભુતા 16
અર્થ : હે ભગવાન ! આપે જગતનાં રક્ષણ તથા દુષ્ટોના નાશને અર્થે, પૃથ્વી ઊંચી નીચી થવા લાગી હતી એવું તમે નૃત્ય કર્યું. તાંડવ નૃત્ય વખતે હાવભાવ માટે આપે ભુજાઓ હલાવી તેના આઘાતથી વિષ્ણુલોક, તારા, નક્ષત્રો આદિનો નાશ થવાની શંકા થવા લાગી અને ઉભયસ્વર્ગદ્વાર વ્યથા પામ્યાં. તેમજ તમારા નૃત્યથી સ્વર્ગનું એક પાસુ તાડિત થયું. આપનું એ ઐશ્વર્ય દેખીતી રીતે વિપરીત છે, તો પણ તે જગતની રક્ષા માટે જ છે.
વિયદવ્યાપી તારાગણ ગુણિત તેનાન્દ્રરૂચિ:પ્રવાહો વારાં ય: પૃષતલઘુડદ્રષ્ટ શિરસિ તે જગદદ્વીપાકારં જલધિવલયં તેન કૃતમિત્વનેનંનોન્નેર્યું ધૃતમહિમ ! દિવ્યં તવ વપુ: 17
અર્થ : હે જગદાધાર ! આપના શરીર પર ગંગાનો મહાન પ્રવાહ ઝીણી ફરફરની પેઠે વરસતો દેખાય છે. તેથી તમારા વિરાટ સ્વરૂપનું ભાન થાય છે. આ જળ પ્રવાહના આકાશવત્ વ્યાપક અને તારા તથા નક્ષત્રોના સમૂહમાં ફીણ સમાન છતાં તેનો ભાસ થાય છે. જેમ નગરની પાછળ ચોતરફ ખાઈ હોય છે તેમ જ ગંગાના એ પ્રવાહે પૃથ્વીની ચોતરફ સર્વ જગતને આવરણ કર્યું છે, એથી આપના વિરાટ શરીરને અનુમાનથી જાણી શકાય છે કે, આપનું શરીર દિવ્ય પ્રભાયુક્ત છે.
રથ ક્ષોણિ યંતા શતધતિરંગેંદ્રો ધનુરથોરથાંગે ચંદ્રાર્કૌ રથચરણપાણિ: શિર ઈતિ દિઘક્ષોસ્તે કોડ્યં ત્રિપુરતૃણમાંડબર વિધિ -વિધેયૌ: ક્રોડન્ત્યો ન ખલુ પર તંત્રા: પ્રભુધિય: 18
હે દેવ ! જે સમયે ત્રિપુરને દહન કરવાની આપની ઈચ્છા થઈ તે સમયે પૃથ્વીરૂપી રથ, બ્રહ્મરૂપી સારથી, હિમાચળ પર્વતરૂપી ધનુષ, સૂર્ય તથા ચંદ્રરૂપી રથનાં પૈંડાં, જળરૂપી રથચરણ એટલે રથની પિંજણીઓ તથા વિષ્ણુરૂપી બાણ યોજીને તમે ત્રિપુરને હણ્યો. હે પ્રભુ ! બળ, વીર્ય શક્તિ તથા બુદ્ધિ થકી યુક્ત પુરુષો નિશ્ચય કરીને પરાધીનપણે ક્રીડા ન કરતાં, તમારી જ શક્તિથી યશ આનંદ મેળવે છે.
હરિસ્તે સહસ્ત્રં કમલબલિમા ધાય પદયો –ર્યદેકોનં તસ્મિન્નિજમુદહરન્નેત્રકમલમ્ ગતો ભક્ત્યુદ્રેક: પારિણતિમસૌ ચક્રવપુષાત્રયાણાં રક્ષાયૈ ત્રિપુરહર ! જાગર્તિ જગતામ્ 19
હે ત્રિપુરહર ! આપની ચરણની પૂજા વિષ્ણુ સહસ્ત્ર કમળ વડે કરવા લાગ્યા ! તેમાં એક કમળ ઓછું હોય તો પોતાના નેત્ર કમળની તુલ્ય સંકલ્પ કરીને અથવા પોતાના શરીરના કોઈપણ બીજા અવયવ આપને અર્પણ કરતા હતા. આવી દઢ ભક્તિને લીધે ચક્રરૂપ ધારણ કરીને સ્વર્ગ કરીને મૃત્યુ તથા પાતાળ – એ ત્રણે લોકનું રક્ષણ આપ જ કરો છો. એ રીતે સુદર્શનચક્રની શક્તિ વિષ્ણુને આપે જ આપેલી છે.
ક્રતૌ સુપ્તે જાગ્રત્વમસિ ફલયોગે ઋતુમત્તાંકવ કર્મ પ્રધ્વસ્તં ફલતિં પુરુષારાધનમૃતે અતસ્ત્વાં સંપ્રેક્ષ્ય ઋતુષુ ફલદાનપ્રતિભૂવંશ્રુતૌ શ્રદ્ધાંબદ્ધાંકૃતપરિકર: કર્મ સુજન: 20
અર્થ : હે ત્રિલોકના સ્વામી ! યજ્ઞાદિ ક્રિયાઓ પૂરી થઈ ગયા પછી, ઘણે વખતે અને જે દેશમાં યજ્ઞ કર્યો હોય તેનાથી બીજે જ સ્થળે તથા આ જન્મમાં કરેલા યજ્ઞાદિ ક્રિયાઓનું ફળ બીજા જન્મમાં પણ અર્પવાને તું હંમેશાં જાગ્રત રહે છે. ચેતનરૂપ ઈશ્વરની આરાધનાથી અને તેને પ્રસન્ના કર્યાથી યજ્ઞનાં બધાં ફળો મળે છે. હે પ્રભો ! તું સર્વવ્યાપી છે. તારી ઈચ્છા વગર તૃણ પણ હાલી શકતું નથી. આથી યજ્ઞાદિ કર્યોનાં ફળ આપવામાં તેમને આધારભૂત માનીને લોકો શ્રુતિ વગેરે શાસ્ત્રમાં શ્રદ્ધા રાખી કાર્યનો આરંભ કરે છે.
ક્રિયા દક્ષો દક્ષ: ક્રતુપતિરધીશસ્તનુભૃતાંઋષીણામાર્ત્વિજય શરણદ ! સદસ્યા સુરગણા: ઋતુભ્રંષસ્ત્વત્ત: ઋતુફલવિધનવ્યસનિને ધ્રૂવં કર્તુ: શ્રદ્ધા વિધુરમભિચારાય હિ મખા: 21
અર્થ : હે શરણે આવનારને શરણ આપનારા યજ્ઞાદિ તત્કર્મો કરવામાં કુશળ, દશનામે પ્રજાપતિ પોતે જ યજ્ઞ કરવા બેઠા હતા. ત્રિકાળદર્શી ભૃગુ વગેરે ઋષિઓ યજ્ઞ કરાવનાર હતા અને બ્રહ્માદિ દેવસભામાં પ્રેક્ષકો તરીકે બેઠા હતા. આટલા ઉત્તમ સામગ્રી અને સાધન હોવા છતાં પણ યજ્ઞકર્તા દક્ષે ફળની ઈચ્છા કરી હોવાથી, તમે એ યજ્ઞને ફળરહિત કરી દીધો હતો, એ યોગ્ય જ હતું. યજ્ઞાદિ ક્રિયાઓ નિષ્કામપણે ન કરતા તથા તમારા ઉપર શ્રદ્ધા રાખ્યા વિના યજ્ઞ કરીએ, તો એ યજ્ઞકર્તા માટે વિનાશરૂપ ન નિવડે.
પ્રજાનાથં નાથ ! પ્રસભભિમકં સ્વાં દુહિતરંગતં રોહિદભૂતાં રિરમયિષુમૃષ્યસ્ય વપુષા ઘનુષ્પ્રાણેયતિં દિવમપિ સપત્રાકૃતમમુંત્રસતં તેડધાપિ ત્યકાત ન મૃગવ્યાધાદાભસ: 22
અર્થ : પ્રજાનાથ ઈશ્વર ! પોતાના દુહિતા સરસ્વતીનું લાવણ્ય જોઈ, કામવશ થવાથી બ્રહ્મા તેની પાછળ દોડ્યા એટલે સરસ્વતીએ મૃગલીનું રૂપ લીધું. ત્યારે બ્રહ્માએ મૃગશીર્ષ નક્ષત્ર કહેવાય છે તે મૃગનું રૂપ લઈને તેની સાથે ક્રીડા કરવા હઠ લીધી, એવામાં આપે જોયું કે, આ અધર્મ થાય છે, માટે તેને ખચીત દંડ દેવો જોઈએ. તેથી આપે વ્યાઘ નામક આર્દ્રાનક્ષત્ર રૂપી શરને તેની પાછળ મૂક્યું હતું. આજ સુધી પણ તે બાણરૂપી નક્ષત્ર કામી પ્રજાપતિની પૂંઠ મૂકતું નથી.
સ્વલાવણ્યાજ્ઞસાધ્ર તદ્યંનુષમહાય તૃણવત્પુર: પ્લુષ્ઠં દષ્ટવા પુરમથન ! પુષ્પાયુધમપિ યદિ સ્ત્રૈણ દેવી યમનિરત ! દેહાર્ઘઘટનાદવૈતિ ત્વામદ્ધા બત વરદ ! મુગ્ધા યુકતય: 23
અર્થ : ત્રિપુરારિ ! દક્ષ કન્યા સતીએ પોતાના પિતાને ત્યાં પોતાનું અને પતિનું અપમાન થવાથી યજ્ઞમાં ઝંપલાવી યજ્ઞ ભ્રષ્ટ કર્યો હતો ત્યાર પછી તે જ પતિને વરવાને બીજે જન્મે પર્વતની પુત્રી પાર્વતી થઈ. તેણે ભિલડીનો વેશ ધારણ કર્યો અને મહાદેવજી તપ કરતા હતા, ત્યાં તેમને મોહ પમાડવાના અનેક પ્રયત્નો કર્યા, પણ તે વ્યર્થ નિવડ્યા. દેવોએ ધાર્યું કે, યજ્ઞ વેળા થયેલા અપમાનથી ક્રોધાયમાન થયેલા મહાદેવજીનો ઉગ્રતાપ હવે આપણાથી સહન થઈ શકશે નહિ. તેથી તે તાપને દૂર કરવાને પાર્વતી સાથે મહાદેવ કામવશ થઈ પરણે, એવા હેતુથી દેવોએ કામદેવને મોકલી આપ્યો હતો. કામદેવના પ્રભાવથી એકેએક બ્રહ્મજ્ઞાની બ્રહ્મમય જગતને નારીમય જોવા લાગ્યા, પરંતુ મહાદેવે તરત ત્રીજું નેત્ર ખોલી પાર્વતીની સાથે કામદેવને ભસ્મ કરી દીધો. આમ છતાં પણ પાર્વતીને માત્ર વિરહ દુ:ખથી ઉગારવાને માટે તમે અર્ઘાંગના પદ આપ્યું હતું. આ તમારું કાર્ય જેઓ મૂઢ છે, તેઓ જ સ્ત્રી આસક્તિવાળું ગણે છે.
સ્મશોષ્વા ક્રીડા સ્મરહર પિશાચા: સહચરાશ્ચિતાભસ્માલેપ: સ્ત્રગપિ નૂકરોટીપરિકર: અમંગલ્ય શિલં તવ ભવતુ ન મૈવમખિલંતથાડપિ સ્મર્તૃણાં વરદ ! પરમં મંગલમસિ 24
અર્થ : હે કામ વિનાશન, સ્મશાન ભૂમિમાં ચારે દિશાઓમાં ક્રીડા કરવી, ભૂત-પ્રેતોની સાથે નાચવું, કૂદવું અને ફરવું, ચિતાની રાખોડી શરીરે ચોળવી અને મનુષ્યની ખોપરીઓની માળા પહેરવી, આવા પ્રકારનું તમારું ચરિત્ર કેવળ મંગલશૂન્ય છે. છતાં તમારું વારંવાર જે સ્મરણ કરે છે, તેને તમારું નામ મંગળમય હોઈ તેને માટે તમારી ભક્તિ મંગળકારી છે.
મન: પ્રત્યક્ ચિત્તે સવિધમવધાય: ત્તમરુત:પ્રહૃષ્યેદ્રોણમાણ: પ્રમદસલિલોત્સં ગિતદશ: યદાલોક્યાહલાદં હૃદઈવ નિમજ્જયામૃતમયેદધત્વં તરતત્વં કિમપિ યમિનસ્તત્કિલ ભવાન્ 25
અર્થ : હે દાતા ! સત્ય-બ્રહ્માને શોધવા માટે અંતમૂઢ થયેલા જે યોગીઓ છે, તેઓ મનને, હૃદયને રોકીને, યોગ-શાસ્ત્રમાં બતાવેલા, યમ, નિયમ, આસન વડે પ્રાણાયામ કરે છે અને બ્રહ્માનંદનો અનુભવ મેળવે છે. એ અનુભવથી તેમના રોમાંચ ઊભા થઈ આનંદથી આંખોમાં હર્ષનાં આંસુ આવી જાય છે. આવા દુર્લભ સ્થળને પ્રાપ્ત થયેલા યોગીઓ, વળી ઈન્દ્રિયોને અગમ્ય, માત્ર અનુભવીએ જાણી શકનારા અવર્ણનીય એવાં તારા તત્વને, અનુભવીને જાણે અમૃતથી ભરેલા સરોવરમાં સ્નાન કરતાં હોય એવો આનંદ મેળવે છે.
ત્વમર્કત્સ્વ સોમત્સ્વમપિ પવનસ્ત્વં હુતવહસ્ત્વમાપસ્ત્વ વ્યોમ ત્વમુ ધરણિરાત્મા ત્વમિતિચ પરિચિછન્નામેવં ત્વયિ પરિજતા બિભ્રતુ ગિરંન વિદ્મસ્તત્તત્વં વયમહિ તુ યત્વં ન ભવસિ 26
અર્થ : ‘હે વિશ્વંભર ! તું સૂર્ય છે, તું ચંદ્ર છે, તું પવન છે, તું અગ્નિ છે, તું જ જલ તથા આકાશ રૂપે છે. તું પૃથ્વી છે અને આત્મા પણ તું જ છે. એમ જુદાં જુદાં સ્વરૂપમાં અનુભવી પુરુષો તને ઓળખે છે. પરંતુ હે પ્રભો ! તે બધાંનાં રહસ્યો રૂપે તું આખા બ્રહ્માંડમાં સર્વવ્યાપી સર્વનો કર્તા, ભોક્તા અને નાશકર્તા બની રહેલો છે.
ત્રયી તિસ્ત્રો વૃત્તિસ્ત્રીભુવમથો ત્રીનપિ સુરાનકરાર્વધણૈ સ્ત્રીભિરભિદધત્તીર્ણ વિકૃત્તિ તુરીયં તે ધામ ધ્વનિભિરવરુંધાનમયૂભિ:સમસ્ત વ્યક્તં ત્વાં શરણદ ! ગૃણાત્યોમિતિ પદમ 27
અર્થ : હે અશરણશરણ ! ત્રણ વેદો, ત્રણ અવસ્થાઓ, ત્રિલોક અને અકારાદિ ત્રણ અક્ષરોના ને ભલા ૐકાર પદ એ બધા તમારું જ વર્ણન કરે છે અને તમને અકારથી સ્થૂળ પ્રપંચરૂપી ઉપકારથી સૂક્ષ્મ પ્રપંચરૂપી અને મકારથી સ્થૂલસૂક્ષ્મ પ્રપંચયુક્ત માયારૂપ જણાવે છે. વળી, યોગની ચોથી અવસ્થા વખતે ઉપજતો સૂક્ષ્મતર ધ્વનિ તમને સ્થૂળ અને સૂક્ષ્મ પ્રપંચો તેમજ માયાદિ સર્વ ઉપાધિઓથી રહિત અખંડ ચૈતન્ય સ્વરૂપાત્મા ૐકાર રૂપ સિદ્ધ કરે છે.
ભવ: શર્વો રુદ્ર: પશુપતિરથોગ્ર: સહ મહાંસ્તથાં ભીમેશાનાવિતિ યદભિનાષ્ટકમિદમ અમુષ્મિનપ્રત્યેકં પ્રવિચરતિ દેવો શ્રુતિરપિપ્રિયા યાસ્મૈ ધામ્ને પ્રણિહિતનમ સ્યોસ્મિ ભવતે 28
હે દેવ ! તું જગતકર્તા ભક્તો માટે જન્મ લેનાર, સર્વ પશુઓના પાલક રૂપે પશુપતિ, પાપીઓના પાપ વિનાશન રૂપ રુદ્ર, અધર્મીઓને દંડ દેનારો ઉગ્ર, સર્વના સ્વત્વરૂપે સહમહાન વિષપાન, રાવણને દંડ, ત્રિપુરનાશ અને કામદહન જેવાં ભયંકર કર્મોથી ભીમ અને જગતને યથેચ્છ અને યથાર્થ નિયમમાં રાખનાર ‘ઈશાન’ છે. આવી રીતે જેમ શ્રુતિ ‘પ્રણવ’ નો બોધ કરાવે છે. તેમ આ તમારા આઠ નામોનો પણ શ્રુતિ બોધ કરાવે છે. હે દેવ ! પોતાના પ્રકાશકના ચૈતન્યપણાને લીધે સર્વદા અદશ્ય, સર્વને આધારરૂપ કેવળ ચિત્ત વડે જાણી શકાય એવા આપને બીજી કોઈ યથાર્થ રીતે નહિ જાણતો હોવાથી, હું માત્ર વાણી, મન અને શરીર વડે આપને જ નમસ્કાર કરું છું.
નમો નેદિષ્ઠય પ્રિયદવ ! દવિષ્ઠાય ચ નમોનમ: ક્ષોદિષ્ઠાય સ્મરહર ! મહિષ્ઠાય ચ નમો નમોવષિષ્ઠાય ત્રિનયન યવિત્ઠાય ચ નમો:નમ: સર્વસ્મૈ તે તદિદમિતી સર્વાંય ચ નમ: 29
નિર્જન વન વિહારની સ્પૃહા રાખનાર ભક્તોની ખૂબ સમીપ તેમજ અધર્મીઓથી દૂર વસેલા ! હું તમને વંદન કરું છું. હે કામનો નાશ કરનાર અણુથી પણ અણુ તેમજ સર્વથી મહાન તમને હું નમું છું. હે ત્રિનેત્રોને ધારણ કરનાર ! વૃદ્ધ અને યુવાન રૂપે પ્રકટતા તમને મારા નમસ્કાર હો. એક બીજાની અતિ વિરુદ્ધ સ્થિતિમાં રહેનાર હે સર્વરૂપ ભગવન્ તમને હું નમું છું અને તેથી આ તમારું દ્રશ્યરૂપ છે ને પેલું અદશ્યરૂપ છે, એવો ભેદ ન પાડી શકવાથી અભેદરૂપ એક સ્વારૂપાત્મક એવા તમને હું વંદું છું. કારણ કે આખું જગત તમારામય છે.
બહલરજસે વિશ્વોત્પતૌ ભવાય નમોનમ:પ્રબલતમસે તત્સંહારે હરાય નમોનમ: જનસુખકૃતે સત્વોદ્વિકતૌ મુંડાય નમોનમ:પ્રમહસિ પદે નિસ્ત્રૈગુણ્યે શિવાય નમોનમ: 30
હે દીનાનાથ ! બ્રહ્માંડને રચવા માટે તમસ તથા સત્વથી વધારે રજસવૃત્તિને રાખનાર ભવ ! તમને હું નમું છું. આ વિશ્વનો વિનાશ કરવાને સત્વ તથા રજસથી અધિક તમસવૃત્તિને ધારણ કરનાર હું તમને નમું છું. જનોના સુખ માટે તેઓનું પાલન કરવાને રજસ તથા તમસથી અધિક સાત્વિક વૃત્તિને ધરનાર મુંડ તમને નમું છું. આપ ત્રિગુણાત્મક છો અને જ્યોતિરૂપ છો તેથી સત્વ, રજસ અને તમસ – એ ત્રણે ગુણોથી રહિત પ્રકાશમય એવા તારા પદને પામવા માટે એક સ્વરૂપાત્મક શિવ ! એવા તમને હું વારંવાર વંદન કરું છું.
કૃતપરિણતિચેત: કલેશવશ્ય કવ ચેદંકવ ચ તવ ગુણસીમાલ્લંઘિમી શશ્વદદ્ધિ: ઈતિ ચકિતમમંદીકૃત્ય માં ભક્તિરોધાદ્વરદ ! ચરણયોસ્તે વાક્યપુષ્પોપહારમ 31
અર્થ : હે કલ્પતરુની જેમ કામનાઓને પૂર્ણ કરનાર ! અમારા અલ્પવિષયક, અજ્ઞાન રાગદ્વેષાદિ દોષોથી મલિન ચિત્ત ક્યાં આ અને આપનું ત્રિગુણ રહિત યથાર્થ ગુણગાન પણ ન થઈ શકે એવું શાશ્વત ઐશ્વર્ય ક્યાં ? આ બેની અત્યંત અયોગ્ય તુલના કરતાં હું આશ્ચર્ય પામું છું. મને તમે દયા કરીને તમારી ભક્તિ કરવા પ્રેર્યો છે અને તેથી તમારાં ચરણકમળોમાં અમારી વાક્યો રૂપી પુષ્પોની ભેટ આપવાને હું શક્તિમાન થયો છું.
અસિતગિરિ સમસ્યાત્કજ્જલં સિંધુપાત્રેસુરતરુવરશાખા લેખનીં પત્રમુર્વી લિખતિ યદિ ગૃહીત્વા શારદા સર્વકાલંતદપિ તવ ગુણાનામીશ ! પારં ન યાતિ 32
અર્થ : હે સ્થાવર અને જંગમને નિયમમાં રાખનારા ! સમુદ્રરૂપી પાત્રમાં કાળા પમાક્સમી શાહીથી, કલ્પવૃક્ષની ડાળીને કલમ રૂપે લઈને તથા આખી પૃથ્વીને પત્ર બનાવી, આવા, સર્વોત્તમ સાધન વડે, અનંતવિદ્યાનો પાર પામેલી સરસ્વતી પોતે જો તમારા ગુણોનું વર્ણન જરા પણ થોભ્યા વગર હરહંમેશ લખ્યા કરે, તો પણ તે તેનો અંત પામે તેમ નથી.
અસુરસુરમુનીન્દ્રે રચિતસ્યેન્દુમૌલેગ્રંથિતગુણમહિમ્નો નિર્ગુણસ્યેશ્વરસ્ય સકલગુણવરિષ્ઠ: પુષ્પદંતાભિધાનોરુચિરમલઘુવૃત્તે સ્તોત્રમેતરચ્ચરકા 33
અર્થ : હે ઈશ્વર ! દેવો, દાનવો અને મોટા મોટા મુનિઓથી પૂજિત, ચન્દ્રને કપાળમાં ધરનાર જેના ગુણોનો મહિમા અહીં વર્ણવ્યો તે તથા સત્વ, રજસ અને તમ, એવા ત્રિગુણોથી રહિત તમારું આ સ્તોત્ર બધા ગુણોથી યુક્ત એવા આચાર્ય શ્રેષ્ઠ પુષ્પદંત નામે એક યક્ષે રચ્યું છે.
અહરહરનવધં ધૂર્જટે ! સ્તોત્રમેતત્વઠતિ પરમભકત્યા શુદ્ધચિતા પુમાન્યં સ ભવતિ શિવલોકે રુદ્રતુલ્યસ્તથાડત્રપ્રચુરતરધનાયુ પુત્રવાન કીર્તિમાંશ્ય 34
અર્થ : હે જટાધારી ! નિર્મળ મનવાળો જે કોઈ મનુષ્ય દરરોજ પરમ ભક્તિથી આ ઉત્તમ સ્તોત્રોનો પાઠ કરે છે, તે શિવ સ્તુતિના પુણ્ય મેળવે છે. અંતે શિવલોકમાં રુદ્રના પદને પામે છે. તથા આ મહીલોકમાં મોટો ધનાઢ્ય, દીર્ધ આયુષ્યવાળો, પુત્રવાળો અને કીર્તિને વરનારો થાય છે.
મહેશાન્નાપરો દેવો મહિમ્નો નાપરા સ્તુતિ: અઘોરાન્નાપરો મંત્રો નાસ્તિ તત્વં ગૂરો: પરમ 35
અર્થ : ખરેખર ! મહેશના જેવા બીજા કોઈ શ્રેષ્ઠ દેવ નથી. આ ‘મહિમ્નસ્તોત્ર’ જેવી બીજી કોઈ સ્તુતિ નથી, ‘અઘોર’ નામના મંત્રથી બીજો કોઈ મહાન મંત્ર નથી અને ગુરુ પરંપરા વિનાનું અન્ય કાંઈ શ્રેષ્ઠ નથી. આથી ગુરુ પરંપરા હે ઈશ્વર ! તને હું સ્તોત્ર દ્વારા નમસ્કાર કરું છું.
દીક્ષા દાનં તપસ્તીર્થ જ્ઞાનં યાગાદિકા: ક્રિયા: મહિમ્નસ્તવ પાઠસ્ય કલાંનાર્હન્તિ ષોડશીમ્ 36
અર્થ : દીક્ષા, દાન, તપ, તીર્થ, જ્ઞાન અને યજ્ઞાદિ ક્રિયાઓ જે લોકો સકામપણે કરે તેના કરતાં પણ તમારા મહિમાના આ પાઠથી જે સોળમી કળા, તે વધી જાય છે. માટે તમારી આ સ્તોત્રથી ભક્તિ કરવી એ જ ઉત્તમ છે.
કુસુમદશનનામા સર્વગંધર્વરાજ:શિશુશશિધરા મૌલેદેવેદસ્ય દાસ સ ખલુ ર્નિજમહિમ્નો ભ્રષ્ટ એવાસ્ય રોષાત્સ્તવનામિદકાર્ષી દિવ્ય દિવ્યં મહિમ્ન: 37
કોઈ રાજાના બગીચામાંથી પુષ્પદંત વિમાનમાંથી અદશ્ય રહી પુષ્પ ચોરતા હતા, તેથી રાજાએ બિલ્વપત્ર કે તુલસીદલ તેમના માર્ગમાં વેર્યાં. એમ કરવાનો ઉદ્દેશ એ હતો કે શિવ કે, વિષ્ણુનો ભક્ત નિર્માલ્ય ઓળંગી જઈ શકશે નહિ. ગંધર્વરાજ પુષ્પદંતે એ નિર્માલ્ય ઓળંગવાથી મહાદેવ કોપાયમાન થયા અને પુષ્પદંતની અદશ્ય રહેવાની શક્તિ નાશ પામી. આથી શિવજીને પ્રસન્ન કરવાને સર્વ ગંધવો રાજા અને બાલેન્દુને કપાળ વિષે ધરાવનાર શંકરના દાસ કુસુમદર્શને પુષ્પદંતે આ અતિ દિવ્ય સ્તોત્ર રચ્યું છે.
સુરવરમુનિપૂજ્યં સ્વર્ગમોક્ષેક હેતુપઠતિ યદિ મનુષ્ય: પ્રાંજર્લિર્નાંન્યચેતા:વજતિ શિવસમીપં કિન્નરે: સ્તુયમાન:સ્તવનમિદમતીઘં પુષ્પદંત પ્રણીતમ્ 38
અર્થ : આ શ્લોકમાં આ સ્તોત્રનો મહિમા વર્ણવ્યો છે. ઈન્દ્ર અને મુનિઓથી પૂજાયેલું સ્વર્ગ મોક્ષપ્રાપ્તિના એક જ સાધન સમું, હંમેશ ફલદાયક અને શ્રીપુષ્પદંતે રચેલું આ સ્તોત્ર જે કોઈ મનુષ્ય બે હાથ જોડી નમ્રભાવે તથા એકાત્મ થઈને ભક્તિથી સ્તવે છે, તે કિન્નરોથી સ્તુતિ પામતો શિવની પાસે જાય છે.
આસમાપ્તિમિદં સ્તોત્ર પુણ્યં ગંધર્વભાષિતમ અનૌપમ્યં મનોહારિ શિવમીશ્વરર્ણન 39
અર્થ : આ સમાપ્તિ સુધીનું સ્તોત્ર ઉપમા આપી શકાય નહિ તેવું છે. તે (સુગંધિત વાયુની જેમ મનને પ્રફુલ્લિત કરે છે તેમ આત્માને પ્રફુલ્લિત કરે છે.) મનોહર, મંગલમય ઈશ્વરના વર્ણનરૂપ હોઈ, તે પુષ્પદંત નામે યક્ષે રચ્યું છે.
ઈત્યેષા વાંડમયી પૂજા શ્રીમચ્છંકરપાદયો: અર્પિતા તેન દેવેશ: પ્રીયતાં મે સદાશિવ: 40
અર્થ : હે દેવના દેવ ! મારી વાણી રૂપી આ પૂજા તમારાં ચરણકમળમાં અર્પણ કરી છે, તો આપ સર્વદા પ્રસન્ન થજો.
તવ તત્વં ન જાનામિ કોદ્દ્શોડસિ મહેશ્વર: યાદશોડશિ મહાદેવ ! તાદશાય નમોનમ: 41
અર્થ : હે મહેશ્વર ! હે મહાદેવ ! હું તો અજ્ઞાની છું. આપનું તત્વ કયું અને આપ કેવા હોઈ શકો તેની મને ખબર નથી. પણ જેવી રીતે પોતાની કર્તવ્ય પરાયણતાને ન સમજનાર માનવ સ્નેહવશ થઈને વડિલને નમે છે, તેવા ભાવથી હું આપને પુન: પુન: નમું છું.
એકકાલં દ્વિકાલં વા ત્રિકાલં ય પઠેન્નર: સર્વપાપવિનિર્મુક્ત શિવલોકે મહીયતે 42
અર્થ : જે મનુષ્ય દિવસમાં એકવાર, બેવાર, કે ત્રણવાર આ સ્તોત્રનો પાઠ કરે છે, તે બધાં ય પાપોથી છુટીને શિવલોક વિષે પૂજાને પાત્ર થાય છે.
શ્રી પુષ્પદંત મુખ પંકજનિર્ગતેનસ્તોત્રેણ કિલ્વિષહરેણ હરિપ્રિયેણ કંઠસ્થિતેન પઠિતેન સ્માનહિતેનસપ્રીણિતા ભવતિ ભૂતગતિર્મહેશ 43
અર્થ : જે કોઈ શ્રી પુષ્પદંતના મુખકમળમાંથી નીકળેલું સર્વપાપોને નાશ કરનારું, શિવજીને અતિપ્રિય એવું આ સ્તોત્ર મોઢે કરે છે અને તેનો ધ્યાનપૂર્વક પાઠ કરે છે તેના પર અખિલ બ્રહ્માંડના પાલકપિતા શ્રી મહેશ પ્રસન્ન થાય છે.
ઈતિ શ્રી શિવ મહિમ્ન સ્તોત્ર સમાપ્ત…..

સિકંદર અને સંત કબીર

"ધર્મ એ કાંઇ ધર્મગુરુઓનો ઇજારો નથી. ઈશ્વરના દરબારમાં ઊચનીચના ભેદભાવ નથી. શું રામ, શું રહેમ, શું કૃષ્ણ, શું કરીમ, પરમ તત્ત્વ એક જ છે. નામ કેવળ જુદાં છે." ૧૪મી સદીમાં સંત કબીર પોતાના દોહતાઓ દ્વારા લોકોની ધર્માંધતાને આમ પડકારતા.
કબીરની વાળી સાંભળી મોલવીઓ અને બ્રાહ્મણો છંછેડાયા. તેમને પોતાનાં આસન ડોલતાં લાગ્યાં. કબીરની વધતી જતી લોકપ્રિયતા એ ધર્માંધો સાંખી શક્યા નહીં. તેમનો કોઈ હિસાબે કાંટો કાઢવા તેઓ તત્પર બન્યા.
એ વેળાએ દિલ્હીમાં લોદી વંશનો સિકંદર રાજ કરે. કબીરના વિરોધીઓની ગણતરી બાદશાહની કાનભંભેરણી કરી, કબીરને પિંજરે નાખી, એનું નૂર હણી લેનવાની હતી. આખરે એક દિવસ સંતને સિકંદરના દરબારમાં હાજર થવાનો હુકમ મળ્યો. સંત બાદશાહને દરબાર પહોંચ્યા. કાચાપોચાનો જુસ્સો દબાઈ જાય એવો એ યુગ હતો. ત્યારે વજ્રમાંથી ઘડાયેલી કબીરની કાયા સીનો તાણીને સિકંદર લોદી સમક્ષ ખડી થઈ.
"કબીરદાસ, યાદ રહે કે તમે શહેનશાહોના શહેનશાહ, નેક નામદાર, ખુલકના ખાવિંદ દિલ્હીશ્વર સિકંદર લોદી સામે ખડા છો ! તમે બાઅદબ બાદશાહને નમન કરો !" કોઈ એક દરબારીએ હુકમ કર્યો.
"બંધવા, કોણ શહેનશાહ ? કયો શહેનશાહ ? મારો તો એક જ શહેનશાહ અને તે પરમ કૃપાળુ પરમેશ્વર. આ માથું એ શહેનશાહોના શહેનશાહ સિવાય બીજા કોઈ સમક્ષ નમતું નથી." કબીરે દૃઢતા પૂર્વક જણાવ્યું.
કબીરની ગુસ્તાખી જોઈ દરબારીઓમાં સોપો પડી ગયો. અપમાનિત બાદશાહ સિકંદરની આંખોના ખૂણા લાલ થયા. વજીરોના હાથ તલવારની મૂઠે મંડાયા. કબીરનું માથું આંચકી લેવા એક નહીં પણ અનેક તલવારો મ્યાનમાં સળવળવા લાગી. ત્યાં કબીરે મધુર સ્વરે ગાવા માંડ્યું -
लीला मेरे लालकी, जीत देखो तीत लाल,
लीला देखन मय गई, मय भी हो गई लाल.
- રામનો મહિમા અપાર છે. જ્યાં જોઉ છું ત્યાં મને મારા ભગવાનની જ લીલા જોવા મળે છે. લાલની લીલા જોવા જતાં હું જ લાલ બની ગઈ.
"બાદશાહ સલામત, આ બંદો આ શહેનશાહ સિવાય અન્ય કોઈ શહેનશાહને પિછાણતો નથી." કબીરદાસના એ શબ્દો સાંભળી તથા એમના વિલોરી કાચ શાં સત્ય વચન સાંભળી ઉગ્ર સિકંદરનો રોષ આપમેળે શમી ગયો.
તેણે સરદારોને મ્યાન કરવા જણાવ્યું. પોતે સિંહાસન ઉપરથી ઊઠી એ વીરોના પણ વીરનાં વધામણાં કર્યાં. અત્યાર સુધી જેને બધા નમતા આવ્યા હતા એ વિજેતા સિકંદરે પોતાનું સર કબીરદાસનાં ચરણોમાં નમાવ્યું.
આમ વિજયની કલગીથી વિભૂષિત બનીને સંત અગ્નિપરિક્ષામાંથી પાર ઉતર્યા.
"સંત સુવાસ" પુસ્તક

બાદશાહ અકબર અને સંત તુલસીદાસ

મુગલ સમ્રાટ અકબર બાદશાહે સંત તુલસીદાસની ખૂબ વાહ-વાહ સાંભળી હતી. આથી બાદશાહ તેમના દર્શન કરવા બહુ ઉત્સુક હતા. બાદશાહે પોતાના માણસને તુલસીદાસને તેડી લાવવા મોકલ્યો. આગંતુક તુલસીદાસને ઘેર ગયો ત્યારે એ નરશાર્દુલ "રામચરિતમાનસ" લખવામાં પરોવાયેલા. સામે રામ, લક્ષ્મણ અને જાનકીની છબી છે. ભક્ત ઘ્યાનસ્થ બેઠા છે. લેખિની એનું કામ કર્યે જાય છે. ત્યાં આગંતુકે હાક મારી, "કવિ શિરોમણિ, ઊઠો. આજે આપના ભાગ્ય ઊઘડી ગયાં. શાહી દરબારથી તેડું આવ્યું છે. બાદશાહ સલામત એમના વિદ્વાન રત્નોમાં આપનું નામ ઉમેરવા ઉત્સુક છે."
તુલસીદાસે ભક્તિમદ છલકાતી આંખોને આગંતુક ઉપર ઠેરવી. બોલ્યા, "ભાઈ, હું દિલ્લીશ્વરને ન ઓળખું. મારે માથે વાસે તો એક જ રાજાનું શિરછત્ર હું જાણું. મારા રાજા રામનું શિરછત્ર. હું એમની રાંક પ્રજા. મારે બીજા કોઈ રાજા જોડે નાતા તાંતા નહીં. માટે ભાઈ, તું તારે માર્ગે પડ."
"કવિ, આનું પરિણામ બૂરું આવશે હો !" આગંતુકે કહ્યું, "કુછ પરવાહ નહીં ભાઈ, મારે માથે શ્રી રામજીનાં રખવાળાં છે." તુલસીદાસે ઠંડે પેટે વેણ કાઢ્યાં. આગંતુક જતો રહ્યો.
બાદશાહે જ્યારે આ વાત સાંભળી ત્યારે તેઓ તુલસીદાસ ઉપર ઘણા નારાજ થયા. ત્યાં કોઈએ કહ્યું, "બાદશાહ સલામત, તુલસીદાસજી ઉચ્ચ કોટિના કવિ છે. પહેલા દરજ્જાના છે. એમના ગૌરવને છાજે એ રીતે આપ એમને દરબારમાં તેડો. માન-આદરથી પાલખી મોકલી એમને તેડવામાં આવે તો કવિ જરૂર આવશે."
પાલખી લઈને રાજના સેવકો તુલસીદાસને તેડવા ગયા. એમને આંગણે શાહી પાલખી આવી પહોંચી. તે જોઈને તુલસીદાસ કહે, "અરે, મને વળી આ આડંબર શા? પાલખી શા ને વાત શી? હું રાજા રામનો નમ્ર સેવક. જાઓ ભાઈ, જાઓ. મને એકલો પડ્યો રહેવા દો."
તુલસીદાસ ઘણાને વ્યવહારશૂન્ય અને બેવકૂફ લાગ્યા. ઘણાને તેમનું નિખાલસપણું અને સ્પષ્ટ વકતૃત્વ ઉદ્ધત લાગ્યાં. અકબર તુલસીદાસની તુંડમિજાજીને અનુરૂપ શિક્ષા કરવા તૈયાર થયા.
કવિની તો એક જ વાત - "તુલસીને રામ સિવાય કશું જોઈતું નથી." બાદશાહનો શાહી ખોફ બહોરીને તુલસીદાસ બંદીખાને ગયા. ત્યાં કોટડીમાં બેઠા બેઠા એ જ અસલ આનંદથી રામચરિતમાનસ લખવા લાગ્યા. કોઈ દંભ નહીં, કોઈ છલ નહીં, કોઈ અંગત કડવાશ નહીં. એક દિવસ બાદશાહ અકબરે આ ખુદાઈ ખિદમતગારની કસોટી કરી.
અકબર તુલસીદાસને મળવા કેદખાને ગયા. જુએ છે તો રાજા રામની છબી સામે રાખી સંત રામચરિતમાનસ લખવા બેઠા છે. અકબર તેમની એકાગ્રતા જોઈને ચકિત થયા. "તુલસીદાસ, ક્યાં સુધી જેલમાં આમ સબડશો? બાદશાહ તરીકે મને કબૂલ રાખો અને મુક્તિ મેળવો." તુલસીદાસ કહે, "મને સત્યનો મારગ સુઝાડનાર મારા સરદાર રાજા રામને હું આત્મ સમર્પણ કરી ચૂક્યો છું. હું એમનો અદનો સિપાહી. સિપાહીના બે સરદાર કદી હોય?"
તુલસીદાસનો ઉત્તર સાંભળી બાદશાહનો અહમ્ ઘવાયો. તેઓ શ્રીરામની છબી ફાડવા તૈયાર થયા. બાદશાહના આ કૃત્યથી અત્યંત દુઃખી થઈ તુલસીદાસજી અશ્રુ વહાવવા લાગ્યા. વર્ષોથી એ છબીમાં તેઓ પોતાના આરાધ્ય દેવ શ્રીરામનાં પ્રત્યક્ષ દર્શન કરતા આવ્યા હતા. તેમણે અશ્રુ વહાવતાં હનુમાનજીની સ્તુતિ કરવા માંડી. પોતાને આ નવી ઉપાધિમાંથી ઉગારી લેવા વ્યગ્ર મને તેમણે હનુમાનજીને વિનંતી કરી. ત્યાં અચાનક ન જાણે ક્યાંથી એક વાનરસેના આવી લાગી. તેમણે બાદશાહના હાથમાંથી શ્રીરામની છબી છીનવી લીધી. આ અણધાર્યા હુમલાથી અકબર હતબુદ્ધિ બની ગયા. તેણે તરત જ તુલસીદાસને મુક્ત કરવાનો હુકમ કર્યો. તેમની ક્ષમા માગી તથા તે નિર્ભિમાની સંતપુરુષના મુખેથી રામકહાણી સાંભળી પોતાના કાન પવિત્ર કર્યા. તે દિવસથી રામભક્તોની કોઈ પજવણી ન કરે તે તરફ બાદશાહ અકબર ખાસ ધ્યાન આપતા.
"સંત સુવાસ" પુસ્તક માંથી

પ્રભુની પ્રાપ્તિ સાધનાથી નહીં, કેવળ માન્યતાથી

આપણા સૌનો અનુભવ છે કે આપણે તો એવાં છે જેવા આપણે બાળપણમાં હતા, પરંતુ આ શરીર અને સંસાર પ્રતિક્ષણ બદલતાં રહે છે. આ જ પ્રકારે શાસ્ત્ર કહે છે કે "હું" અને "પરમાત્મા" ન બદલાવવા વાળા છે. "હું" ની પરમાત્મા સાથે એકતા થઈ અને "આ શરીર" ની સંસાર સાથે એકતા થઈ. આ શરીરમાં જે ગાઢ પણું જે દેખાય છે, તે પૃથ્વીનો અંશ છે. આમાં જે ગરમી છે તે સૂર્ય તથા અગ્નિનો અંશ છે. આમાં જે વાયુ છે તે વાયુનો ભાગ છે અને આમાં જે પોલાણ છે તે આકાશનો અંશ છે.
"હું છું" એ આત્મ-જ્ઞાન છે અને "પરમાત્મા છે" એ પરમાત્મ-જ્ઞાન છે. "હું" અને "પરમાત્મા" ની એકતા છે અને "શરીર" અને "આપણી કહેવામાં આવતી વસ્તુઓ તથા સંસાર" ની એકતા છે. તેથી આ આપણી કહેવામાં આવતી વસ્તુઓ દ્વારા સંસારની સેવા કરવી અને ખુદને પરમાત્માને સમર્પિત કરવું. બસ એ જ વાત (સાર) છે.
હવે પ્રશ્ન ઊઠે છે કે જો વાર આટલી સુગમ છે તો પછી આ વાત રોકાતી (હંમેશા સ્મરણમાં) કેમ નથી? આનો ઉત્તર છે કે આ વાતને આપણે એટલું મહત્વ નથી આપતા, એનું આદર નથી કરતાં. આ વાત કઇ અભ્યાસજન્ય નથી. આ વાતને ક્યાં તો માની લો અથવા તો જાણી લો. જેમ કે આપણે માની લઇએ કે આ નેપાળ છે. આપ આ માનવામાં સ્વતંત્ર છે. માનવા ચાહો તો માની શકો છે અને ન માનવું હોય તો જન્માંતર સુધી ન માની શકશો. બસ આ જ રીતે માની લો કે "પરમાત્મા" છે. ક્યાં તો જાણી લો કે મારું (અવિનાશી આત્માનું) નાશવાન સંસાર સાથે કોઈ સંબંધ નથી તો પણ પૂરતું છે. "હું" નથી બદલાતો, પરંતુ "આ શરીર અને સંસાર" સતત બદલાતા રહે છે, આ બિલકુલ જાણેલ વાત છે. આને જાણવા અને માનવા કોઈ અભ્યાસની આવશ્યકતા નથી. આ સાચી અને શાસ્ત્રની કહેલી વાત છે. જો આપણે આ વાતનનો આદરપૂર્વક સ્વીકાર કરીએ તો કરોડો રૂપિયા પ્રાપ્ત થવા પર પણ એટલી શાંતિ ન મળે જેટલી આ વાત માનવાથી મળે છે.
એક વાત બીજી છે કે આપણે એ વાતને કોઈ મહત્વ નથી આપતા જે આપણને મફતમાં મળેલ છે. જો એક-એક વાત ઉપર સો-સો રૂપિયાનો ટેક્સ લગાવી દેવામાં આવે, તો કદાચ આપણે એ વાતનું આદર કરીશું. અને ખૂબ ભટકવા પછી, બદ્રીનારાયણ જેવાં પહાડો પર ફરવા બાદ આ વાત પ્રાપ્ત થાય તો તેને મહત્વ આપીએ અને માની લઇએ. જ્યારે હમણાં ઘર બેઠા આ વાત વગર કિંમતે મળી રહી છે તેથી તેને આપણે મહત્વ નથી આપતા. જે કોઈ વ્યક્તિએ આ વાતને મહત્વ આપ્યું છે, આની કિંમત ચૂકવી છે, તે વ્યક્તિને જરૂર લાભ થયો છે. જે કોઈ વ્યક્તિએ આ વાત બદલ અપમાન સહ્યું છે, નિંદા સહિ છે, કષ્ટ સહ્યું છે, વિપરીત પરિસ્થિતિ સહન કરી છે, તેને અવશ્ય લાભ થયો છે; કારણ કે એણે મૂલ્ય ચુકવ્યું છે. જો જોરદાર લગન અને તડપ થઈ જાય તો તત્ત્વજ્ઞાન તરત જ થઈ જાય છે. તેથી આપણે આ વાતને મહત્વ આપીએ કે હવે તો વાત (સાર રહસ્ય) આપણને મળી ગયું છે, હવે એ કદી વિસ્મરણ નહીં થાય.
ઉદયપુરના રાણાના વિષે સાંભળ્યું જ હશે કે તે તેઓ સત્સંગની વાત સાંભળતા અને એમાં જે વાત સારી લાગતી તે વાત સાંભળીને તરત જ સત્સંગમાંથી ઊઠી જતાં જેથી વાત વિસ્મરણ ન થઈ જાય. તેથી આજની આ વાત દૃઢતાથી પકડી લો કે આપ સ્વયં નિત્ય રહેવાવાળા છો જ્યારે શરીર અને સંસાર બદલાવવાવાળા અનિત્ય છે. આપણી એ જ ભૂલ છે કે આપણે બદલાવવાવાળા અનિત્ય તત્ત્વો સાથે મળી જઇએ છીએ. જો આપણે આ અનિત્ય શરીર-સંસાર સાથે ન મળીએ તો સમતામાં સ્વતઃ સ્થિતિ છે. આપણે આનાથી ભિન્ન છીએ. આના કારણે જ આપણે અનુકૂળતા-પ્રતિકૂળતાનો અનુભવ કરીએ છીએ. બન્ને પરિસ્થિતિઓમાં અનુભવ એ જ કરી શકે છે જે બન્ને સમય રહે છે. આપણે બન્ને પરિસ્થિતિના પ્રભાવને સ્વીકાર કરીએ છીએ તેથી જ સુખી-દુઃખી રહીએ છીએ. જો પરિસ્થિતિના પ્રભાવનો સ્વીકાર ન કરીએ, એટલે કે અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સમભાવ રહીએ, તો ન સુખ થશે, ન દુઃખ. સમતામાં સ્વતઃ સ્થિતિ આવી જશે.
તમે સાંભળ્યું હશે કે નારદજીએ વ્યાસજીને એમના પૂર્વ જન્મની વાત કહી. નારદજી માતાની સાથે સંતોની પાસે જતા હતા તો ભગવાનમાં ભક્તિ થઈ ગઈ. પછી એમની માતા મૃત્યુ પામી. બહુધા માતાના મૃત્યુ પર બાળકને ઘણું દુઃખ થાય છે, કારણ કે માતા બાળકનો આધાર હોય છે. પરંતુ નારદજી ખુશ થયા. તેથી સુખી-દુઃખી થવું એ તો આપણા હાથની વાત છે. આ ઉપર ભગવાન કહે છે -
न त्वं शोचितुमर्हसि ॥ (ગીતા ૨/૨૭)
"તું શોક કરવા યોગ્ય નથી." અને અંતમાં કહે છે કે मा शुचः "શોક નહીં કર." શોક કરવું, ન કરવું આપણા હાથની વાત છે. શોક-ચિંતા કરવી, સુખી-દુઃખી થવું એ કઈ પ્રારબ્ધનું ફળ નથી. અનુકૂળતા-પ્રતિકૂળતા આવવી-જવી પ્રારબ્ધ (કર્મો) નું ફળ છે. પરંતુ એમાં સુખી-દુઃખી થવું એ આપણી ઉપર છે, આ સુખ-દુઃખ આવવા જવા વાળા છે. તેથી આમાં શું સુખી થવું અને શું દુઃખી થવું? ઘણી આશ્ચર્યની વાત છે. જેમ કે જો આપણે હમણાં દરવાજે ઊભા રહીએ અને રસ્તા પર ગાડી ખૂબ અવર-જવર કરે તો આપણે રાજી થઇશું કે આજે તો ઘણી ગાડી તો આવી અને ગઈ. પરંતુ બીજા દિવસે માનો કે ગાડી પસાર ન થશે તો આપણે વિચારીશું કે આજે ગાડી કેમ પસાર નહીં થઈ. અરે ! સમસ્યા શું છે? ગાડી નહીં આવી તો ધૂળ નહીં ઊડી. એવી જ રીતે અનુકૂળ-પ્રતિકૂળ આવે છે અને જાય છે, ક્યારેક અનુકૂળ પરિસ્થિતિ આવી તો કયારેય નહીં. આ ધન-સંપત્તિ અને પરિવાર વગેરે બધું આવે-જાય છે જ્યારે આપ (નિત્ય આત્મા) એમ ને એમ રહે છે. તો પછી આમાં રાજી અને નારાજી શું? "समदुःखसुखः स्वस्थः"સુખ-દુઃખમાં સમભાવથી રહેવાથી આપણા "સ્વ" માં સ્થિતિ થાય છે અર્થાત્ પરમ આનંદ અને પરમ શાંતિ પ્રાપ્ત થશે. ભગવાન પણ 'પ્રેમાળ' કહેશે. પરંતુ જો આપણે સુખ-દુઃખમાં સુખી-દુઃખી થતા રહીશું તો આપણે તો દુઃખ મેળવીશું જ, લોકો પણ નિંદા કરશે અને ભગવાન પણ રાજી નહીં થાય. તો બતાવો ફાયદો શું થયો?
ધનવાન થઈ જવું, સ્વસ્થ થઈ જવું, માન-પ્રતિષ્ઠા પ્રાપ્ત થવી - આ બધું આપણા હાથની વાત નથી. તો પછી આમાં સુખી-દુઃખી શું કામ થવું? હવે આ વાતને આદર આપો, મહત્વ આપો, નિર્ણય કરો કે સુખી-દુઃખી નહીં થાઓ. આ વાતને શીખવાની નથી. આનો કોઈ અભ્યાસ કરવાની જરૂર નથી. આને તો ફક્ત માનવાની છે. પછી વારંવાર પાદ કરવાની આવશ્યકતા નહીં રહે. જેમ ખુદને બ્રાહ્મણ કે ક્ષત્રિય કે વૈશ્ય માની લીધા, હવે કામ-ધંધો કરતા, ખાતા-પીતાં આ યાદ નથી રાખવું પડતું. આપોઆપ યાદ રહે છે. જો યાદ ન રહે તો પણ કોઈ ભૂલ નથી થતી.
આ જ પ્રકારે "હું" પરમાત્મા છું - એમ માની લો પછી કામ આદિ કરતી સમયે તમે ભૂલી જાઓ, પરંતુ એ ભૂલ નહીં માનવામાં આવશે. ભૂલ ક્યારે માનવામાં આવશે? ભૂલ એ સમયે માનવામાં આવશે, જ્યારે આપ એવું માનશો કે હું પરમાત્મા નથી. જો તમે આમ નહીં માનો તો પણ અખંડ માન્યતા તો ભીતર રહેશે જ. જેમ આપણા નામ, જાતિ, સ્થાન, દેશની સાથે અખંડ માન્યતા થઈ જાય છે, તે જ પ્રકારે પરમાત્મા સાથે અખંડ માન્યતા થઈ જશે. આ નામ, જાતિ, સ્થાન, દેશ, શરીર આદિ તો આપણા નથી, આ બધા તો કેવળ આપણી માન્યતાઓ છે. પરંતુ "પરમાત્મા આપણા છે" એવું સ્વયં ભગવાન, સદગ્રંથ તથા સંતો કહે છે. તેથી આજે હમણાં આ વાત માની લો કે હું પરમાત્માનો છું અને પરમાત્મા મારા છે.
નારાયણ... નારાયણ... નારાયણ...
- સ્વામી રામસુખદાસજી
("જીવનનું સત્ય" પુસ્તક માંથી)

કેવળ ભગવાનનું જ ચિંતન

આપણા બધા માટે મનન કરવા લાયક (આવશ્યક) તત્ત્વ આ છે કે સમય ઉડતો જઈ રહ્યો છે. દિવસ અઠવાડિયામાં બદલાઈ રહ્યા છે, અઠવાડિયા મહિનામાં, મહિના વર્ષોમાં. એક-એક દિવસ કરીને આપણી જીવન અવધિ ઘટતી જઈ રહી છે; વિભિન્ન વિકર્ષણ આપણા મનને લક્ષ્યથી દૂર લઈ જાય છે. આપણે કઈ રીતે આ અપેક્ષા રાખીએ કે આપણું જીવન ઈશ્વર સાક્ષાત્કારથી અભિષિક્ત (અધિકારવાળું) થાય? પ્રબોધનથી, મોક્ષથી, આનંદથી, શાંતિથી અને પરિપૂર્ણતાથી અલંકૃત થાય? કઈ રીતે આ આશા રાખી શકીએ???
આ કેવળ ત્યારે જ સંભવ છે જ્યારે વ્યક્તિ નિરંતર ભગવાનનું, અને કેવળ ભગવાનનું જ ચિંતન કરે, જ્યારે વ્યક્તિ ભગવાન સિવાય અન્ય બધા વિચારોને છોડી કેવળ ભગવાનનું જ ચિંતન કરે. એવા વ્યક્તિ માટે આપણે લગભગ કહી શકીએ છીએ કે જો ભગવાનનો અનુગ્રહ પણ છે તો, ઈશ્વરાનુભૂતિની પ્રાપ્તિ આ જન્મમાં, પણ અત્યારે જ અને અહીં જ નિશ્ચિત છે.
કારણ કે, જે વ્યક્તિ તેનું મન, પોતાની અંતર દૃષ્ટિ નિરંતર અબાધ રૂપથી ભગવાન અને કેવળ ભગવાન પર દૃઢતાપૂર્વક સ્થિર રાખે છે, જે અન્ય કોઈ પણ વિચારને પ્રવેશ ન થવા દે, જે પૂર્ણત ઈશ્વરમાં સ્થિત છે, શત-પ્રતિ-શત, કોઈ પણ અન્ય વિચારને હસ્તક્ષેપ ન કરવા દે, ત્યારે એવાં વ્યક્તિનું અંતઃકરણ સ્વયં ભગવાન રૂપ બની જાય છે. કારણ કે એવાં વ્યક્તિમાં ભગવાન નિવાસ કરે છે, તેઓ એના અંતર્મનને, એની ચેતનાને પૂર્ણતાથી ભરી દે છે. ત્યારે તે વ્યક્તિ ઈશ્વરીય ચેતનાની સ્થિતિમાં પહોંચી જાય છે અને તે માનવીય ચેતનામાં નથી રહેતો.
એવી સ્થિતિ માટે આપણે પ્રાર્થના કરવી જોઇએ. આના માટે આપણે અથાક પ્રયત્ન કરવો જોઇએ. વિનમ્રતા સહિત, વગર અહંકારથી, આ જાણવું જોઇએ કે આ પ્રયત્ન પણ એમના દ્વારા પ્રેરિત છે, એમની જ કૃપાની શક્તિથી થઈ રહ્યું છે, અહીં મારું કઈ પણ નથી, કેવળ એક ભગવાન જ સર્વસ્વ છે. અને આપણે એ સર્વશક્તિમાનથી, એ સર્વાતીત સત્તાને પ્રાર્થના કરીએ છીએ, આપણે પરમ ગુરુદેવને પ્રાર્થના કરીએ છીએ કે તેઓ આશીર્વાદ અને વરદાન કૃપાપૂર્વક આપણને બધાને પ્રદાન કરે! એવું જ બને!
- સ્વામી શ્રી ચિદાનન્દજી મહારાજ

પરમ શાંતિનો ઉપાય તથા શાંતિ કઈ રીતે મળે?

પરમ શાંતિનો ઉપાય
મનુષ્ય કેવળ પોતાના અનુભવનો આદર કરે તો તેનું કામ બની જાય. અનુભવ શું છે? આપણને જે કોઇ પણ વસ્તુઓ મળી છે તે આપણી નથી. આ ખાસ વાત છે. જે મળેલું હોય છે તે આપણું નથી હોતુ. શરીર, ધન, જમીન, વૈભવ, સંપત્તિ જે કઈ પણ મળ્યું છે, તે આપણું નથી. આ વાત પર વિચાર કરો. આવું માનવાથી મમતા મટી જાય છે. મમતા જ નહિ, અહંતા ('મારું' પણું) પણ મટી જાય છે. આ શરીરને ભગવાને -
'इदं शरीर कौन्तेय क्षेत्रम्' (ગીતા ૧૩/૧)
ઇદમ્ (આ) કહ્યું છે. જે 'આ' હોય છે તે 'હું' નથી હોતું. અને જે 'હું' હોય છે તે 'આ' નથી હોતું. 'इदं शरीरम्' કહીને આગળ શરીરનું વિવેચન કરતા કહે છે -
महाभूतान्यहंकारो बुद्धिरव्यक्तमेव च ।
इन्द्रियाणि दशैकं च पञ्च चेन्द्रियगोचराः ॥
(ગીતા ૧૩/૫)
પાંચ મહાભૂત, અહંકાર, બુદ્ધિ, ઇન્દ્રિયા, તથા મન-પ્રકૃતિ સહિત બધું 'इदं शरीरम्' ની અંતર્ગત આવી જાય છે. તેથી આ શરીર 'હું' નથી - આ વાતને દ્રઢ઼તાથી સમજી લો.
પછી પ્રશ્ન ઊઠે છે કે શું આ શરીર મારું છે? શું આપ આ શરીરને જેવું ચાહો એવું રાખી શકો છો? શું એમાં જે પરિવર્તન ચાહો તે કરી શકો છો? શું વૃદ્ધાવસ્થા ને રોકી શકો છે? શું મૃત્યુથી બચાવી શકાય છે? જો આ બધી તમારા હાથની વાત નથી, તો પછી આ શરીર તમારું કઈ રીતે થયું? તેથી મમતા અને અહંકારને જીવિત રહીને છોડી દો.
'निर्ममो निरहंकारः स शान्तिमधिगच्छति' (ગીતા ૨/૭૧)
આનાથી શાંતિને પ્રાપ્ત થશો. જો તમે અહંતા-મમમતાને નહિ છોડશો, તો પણ એ તો છૂટશે જ. આ 'હું' પણું અને 'મારું' પણું રહેશે નહિ. પરંતુ તમે તેને નહિ છોડશો તો અશાંતિ, દુઃખ, સંતાપ અને જલન થશે. આ શારીર દ્વારા કરવામાં આવેલ પાપ તથા પુણ્યના ફળ ભોગવવા માટે અનેક જન્મ લેવા પડશે. આથી જો તમે આ સ્વીકાર કરી લો કે શરીર, ઇન્દ્રિયા, મન, બુદ્ધિ તથા અહમ્ (અહંકાર) મારા નથી તો તેના દ્વારા કરવામાં આવેલ કાર્યો પણ તમારા નહિ રહેશે. આ વાતને ગીતાએ કહી છે -
'गुणा गुणेषु वर्तंत' (ગીતા ૩/૨૮)
અર્થાત્ ગુણ જ ગુણોમાં વર્તન કરે છે. [એટલે કે ઇન્દ્રિયા, તેના વિષયમાં વર્તે છે. આંખનો ગુણધર્મ છે જોવાનો, તો તે જોવાનું કામ કરે છે. ઘ્રાણ ઇન્દ્રિયનો ગુણધર્મ છે ગંધ પારખવાનો તો તે તેનું કાર્ય કરે છે.]
प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः ।
अहंकारविमूढात्मा कर्ताहमिति मन्यते ॥
(ગીતા ૩/૨૭)
વાસ્તવમાં બધા કર્મ પ્રકૃતિના ગુણો દ્વારા કરવામાં આવે છે. પરંતુ અહંકારથી મોહિત અંતઃકરણવાળો પુરુષ (અજ્ઞાની) 'હું' કરું છું એવું માને છે. તો શું કરવાનું છે?
'नैव किंचित्करोमीति युक्तो मन्येत' એવું માની લેવું કે 'હું' કર્તા નથી, કારણ કે હું તો જાણનાર છું અને આ બધું મારા જાણવામાં આવેલ છે. એનાથી થવાવાળી ક્રિયાઓ મારી કઈ રીતે થઈ?
प्रकृत्यैव च कर्माणि क्रियमाणानि सर्वशः ।
यः पश्यति तथात्मानमकर्तारं स पश्यति ॥
(ગીતા ૧૩/૨૯)
જે આ જાણે છે કે ક્રિયા કેવળ પ્રકૃતિ દ્વારા થાય છે, તે પોતાને અકર્તા જ જાણે છે. અને હવે પોતાને અકર્તા જાણે છે તો -
यस्य नाहंकृतो भावो बुद्धिर्यस्य न लिप्यते ।
हत्वापि स इमाँल्लोकान्न हन्ति न निबध्यते ॥
(ગીતા ૧૮/૧૭)
એ બધા લોકોને મારીને પણ વાસ્તવમાં ન તો મરે છે, ન પાપથી બંધાઈ છે. મનુષ્ય અહંકૃત ('હું' કર્તા છું એવો ભાવ) ભાવથી જ ફસાયેલ છે અને તે અહંકૃત ભાવ વાસ્તવમાં છે નહીં, કેવળ માને લીધેલો ભાવ જ છે. અને માની લીધેલો ન માનવાથી છૂટી જાય છે. આ તમારા, આપણા બધાના અનુભવની વાત છે. તેથી આ વાતને માની લો કે શરીર 'હું' નથી અને 'મારું' નથી. શરીર અલગ છે અને હું અલગ છું.
वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्याति नरोऽपराणि । (ગીતા ૨/૨૨)
જેમ મનુષ્ય જૂના વસ્ત્ર ઉતારી બીજાં નવા વસ્ત્ર ધારણ કરે છે. તો વસ્ત્ર 'હું' નથી હોતા, એવી જ રીતે શરીર 'હું' નથી અને 'મારું' નથી. જો 'હું' અને 'મારું' પણું વધારતા રહીશું તો હું ખૂબ ભણી લઇશ, પંડિત બની જઈશ, વ્યાખ્યાનદાતા બની જઈશ, મોટો વ્યક્તિ બની જઈશ, ધનવાન બની જઈશ અને મારી પાસે ખૂબ જ ધન હશે, સંપત્તિ હશે, પરિવાર હશે. આ રીતે 'હું' અને 'મારું' પણું વધારતા રહીશું તો શાંતિ અને સુખની પ્રાપ્તિ નહીં થશે. અને જ્યા અહંતા-મમતા છોડી કે એજ ક્ષણ 'स शांतिमधिगच्छति' શાંતિને પ્રાપ્ત થશો.
શાંતિ કઈ રીતે મળે?
અહંતા-મમતા વધાવીને અશાંતિ તમારી સ્વયં પેદા કરેલ છે. જેટલી અહંતા-મમતા અધિક હશે, તેટલી અશાંતિ વધુ હશે. અને અહંતા-મમતાને જ્યાં ત્યાગ કર્યા કે તત્કાલ શાંતિ મળી.
त्यागाच्छान्तिरनन्तरम् (ગીતા ૧૨/૧૨)
સીધી સરળ વાત છે, વ્યવહારમાં કહી દો કે જમીન, મકાન, સ્ત્રી, પુરુષ, પરિવાર અમારા છે; પરંતુ અંદરથી એમાં મમતા અને આસક્તિ (મોહ) ન રાખો.
એક પ્રસંગ આવે છે કે એક વાર એક સાધુ બાબા નગરમાં ભિક્ષા કરીને એક બગીચામાં બેસી ગયા, તો સાંજના સમયે રાજા ત્યાં આવ્યા અને સાધુ બાબાને પૂછ્યું કે અહીં કઈ રીતે બેઠા છો? કોઈ ધર્મશાળા અથવા સરાઈમાં (વિશ્રામાલય) જવું જોઇએ. સાધુ બાબાએ કહ્યું કે આ સરાઈ જ તો છે. તો રાજાએ કહ્યું કે આ તો મારી કોઠી છે. સાધુ બાબા બોલ્યા કે સારું આ તમારી કોઠી છે, તો મને કહો તમારાથી પહેલાં અહીં કોણ રહેતું હતું? રાજાએ કહ્યું 'મારા પિતાજી રહેતા હતા' એમનાથી પહેલાં કોણ રહેતું હતું? તો રાજા બોલ્યા કે મારા દાદાજી. અમે અહીં પેઢીયોથી રહીયે છીએ. સાધુ બાબાએ પૂછ્યું કે શું તમે અહીં સદા માટે રહેશો? તો રાજા બોલ્યા કે જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી હું રહીશ, પછી મારા પુત્ર-પૌત્ર રહેશે. સાધુ બોલ્યા, તો પછી ધર્મશાળા કે સરાઈ કોને કહેવાય છે? કોઈ આવ્યું, કોઈ ગયું, એજ ધર્મશાળા છે. વ્યક્તિ, વસ્તુ, પદાર્થ જે કઈ પણ આપણને મળે છે, તેનો સદુપયોગ કરવો જોઇએ, એના ઉપર અધિકાર નહીં જમાવવો જોઇએ. કબીરદાસજીએ આ શરીરને ચાદર માનીને કહ્યું છે -
कबीरा चादर है झीनीं, सदा राम रस भीनी ।
પછી અંતમાં કહ્યું -
नौ दस मास बुनता लाग्या, मूरख मैली कीनी,
दास कबीर जुगति से ओढ़ी, ज्यों की त्यों धर दीनी ।
આનો અર્થ થયો કે શરીરમાં 'હું' પણું અને 'મારું' પણું નહીં રાખવું જોઇએ. એનો સદુપયોગ પોતાના અને સમાજનાં કલ્યાણ માટે કરવો જોઇએ. આ વાતનો એકદમ પાકો (દ્રઢ઼) વિચાર કરી લો કે આ શરીર, સંસારની વસ્તુઓ, સામગ્રી એ બધુ સંસારનું જે છે અને સંસારની સેવા માટે જ મળ્યું છે. એને પોતાની ન માનીને સંસારની જ માનવી જોઇએ અને સંસારની સેવા માટે જ માનવી જોઇએ. જેથી વસ્તુઓનો સદુપયોગ થાય. પરંતુ જો પોતાની અને પોતાના માટે છે એમ માનશો તો વસ્તુઓનો દુરુપયોગ થશે. અને દુરુપયોગથી આપણે એનો દંડ ભોગવવો પડશે. એને પોતાનું માની કોઈ લાભ તો થશે નહીં અને હાનિ કોઈ પણ પ્રકારની બાકી રહેશે નહીં. એના ઉપર પોતાનો અધિકાર જમાવવો, કબ્જો કરવો એ બેઈમાની છે અને એ જ સાંસારિક બંધન છે. એ ભગવાનની છે અથવા સંસારની છે, અથવા તો પ્રકૃતિની છે, કે પછી જેની પણ હોય તેની માનીએ તો આ મુક્તિ છે. ભક્તિયોગમાં ભગવાનની, કર્મયોગમાં સંસારની અને જ્ઞાનયોગમાં પ્રકૃતિની છે. તેથી શરીર, વસ્તુઓ, જમીન, મકાન, સ્ત્રી, પુરુષ, પરિવાર, ધન વગેરેને પોતાની અને પોતાના માટે ન માનો.
એક બીજી વાત છે કે આપણે આ શરીર અને વસ્તુઓથી સુખ લેવા માગીએ છીએ. પરંતુ આ માનવ શરીર તથા એની સામગ્રી સુખ કે ભોગ માટે નથી મળી.
' एहि तन कर फल विषय न भाई '
આ તો બીજાને સુખ આપવા માટે તથા બીજાની સેવા કરવા માટે મળ્યા છે. જો સુખ ભોગવવું હોય તો સ્વર્ગમાં જાઓ, દુઃખ ભોગવવું હોય તો નરકમાં જાઓ, સુખ-દુઃખ બન્નેથી ઉપર ઊઠવું હોય તો મનુષ્ય શરીરમાં આવો. સુખ-દુઃખ બન્નેથી ઉપર ઊઠવાથી જ મહાન આનંદ, મહાન શાંતિ પ્રાપ્ત થાય છે. પરંતુ જો સુખની ચાહ રાખશો તો દુઃખ પણ ભોગવવું જ પડશે. અને જો સુખની કામના છોડી દેશો તો મહાન આનંદ અને મહાન શાંતિની પ્રાપ્તિ થશે. તેથી શાંતિનો ઉપાય એ છે કે શરીર 'હું' નથી અને શરીર, સંસાર 'મારા' નથી અને મારા માટે નથી એમ જાણી અને માની લો.

વ્રત વિધિ-વિધાન

॥ શ્રી ગણેશાય નમઃ ॥
ૐ પરમાત્માને નમઃ
ભારતની ભાતીગળ સંસ્કૃતિનો આધ્યાત્મિક વિકાસ અને વારસો એટલે વ્રત વૈભવ, તહેવારો અને ઉત્સવોનો ત્રિવેણિ સંગમ. ભારતીય સંસ્કૃતિ ધર્મપ્રાણ સંસ્કૃતિ છે. પરમ કૃપાળુ પરબ્રહ્મ પરમાત્માની આરાધના અને ઉપાસના પ્રાચીન કાળથી અને વૈદિક ઋષિ પરંપરાથી ભારતમાં ઊતરી આવી છે. પ્રાચીન ઋષિમુનિઓએ ધાર્મિક કર્મકાંડના સુનિશ્ચિત નિયમોનું સુપેરે નિરૂપણ કર્યું છે. આ ધર્મપ્રાણ સંસ્કૃતિમાં ધર્મનાં શાશ્વત અને સનાતન તત્વો સમાવિષ્ટ થાય છે.
સમગ્ર વિશ્વમાં અનેકવિધ દેવ-દેવીઓની આરાધના, ઉપાસના, યજ્ઞો અને ધાર્મિક ક્રિયાઓ પ્રાચીન કાળથી પ્રચલિત છે. આ પ્રચલિત ધાર્મિક પરંપરાને મહાન ઋષિમુનિઓએ મંત્રો, સ્તોત્રો, આખ્યાનો અને ઉપાખ્યાનો દ્વારા અલંકૃત અને પરિપુષ્ટ કરી છે. પ્રત્યેક ભારતીય એમ માને છે કે, પોતે હજારો વર્ષો પૂર્વે પ્રાદુર્ભાવ પામેલી આ ધાર્મિક પરંપરાનું એક અવિભાજ્ય અંગ છે, આથી તે આ ધાર્મિક વિધિઓનું અનુસરણ કરે છે અને અનન્ય ભક્તિથી પોતાના ઇષ્ટદેવની આરાધના-ઉપાસના કરે છે, તદુપરાંત ઋષિ-મુનિઓએ પ્રબોધેલાં અને આધ્યાત્મિક ગ્રંથોમાં નિરૂપણ કરેલાં વ્રતોનું મન, કર્મ અને વચનથી આચરણ કરે છે. તેથી 'વ્રત-ઉપાસના' ધાર્મિક પરંપરાનું અપરિહાર્ય અને અવિભાજ્ય અંગ બન્યું છે.
વ્રત નાનું હોય કે મોટું, પરંતુ કસોટીની પળે એને વળગી રહેવું એ મુખ્ય વાત છે. નિયમિત ખોરાકની જેમ શરીર પુષ્ટ થાય છે તેમ નાનાં-મોટાં વ્રતોથી આત્માનું બળ અભિવૃદ્ધિ પામે છે; મન, બુદ્ધિ અને ચિત્ત પણ પોષાય છે. ભારતીય જીવનના પાયામાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સમાવિષ્ટ થાય છે. ધર્મ સાધનાના જે વિવિધ પ્રકારો છે, તેમાંનો એક પ્રકાર વ્રત-ઉપાસના દ્વારા સાધી શકાય છે. વ્રત-ઉપાસનાનાં અને ક દ્રષ્ટાંતો પૌરાણિક ગ્રંથોમાં ઉપલબ્ધ છે. ઉદાહરણ તરીકે, કુંતાજીએ સૂર્યવ્રત કર્યું અને પુત્રેચ્છાને લીધે સૂર્યદેવના આશીર્વાદથી તેમને અયોનિ સંતાન પ્રાપ્ત થયું, જે દાનેશ્વરી કર્ણ તરીકે ઓળખાય છે.
વ્રત-ઉપાસનાને લીધે પાર્વતીજી શિવજીને પામે છે. વ્રતની પાછળ વ્રત કરનારની શ્રદ્ધા-ભક્તિ પર વ્રતનું ફળ અવલંબે છે. વટસાવિત્રીના વ્રતમાંથી મહર્ષિ અરવિંદને અદ્ભુત પ્રેરણા મળી અને તેમણે પોતાના પૂર્ણયોગનો પાયો રચ્યો, અને મહાનિબંધ 'સાવિત્રી' નું સર્જન થયું ! આદ્યાશક્તિની આરાધનાનાં વ્રતો એ દૈવી શક્તિનું પોતાનામાં અવતરણ કરવાની અનોખી પ્રક્રિયા છે. આ રીતે વ્રત-ઉપાસના દ્વારા પોતાના પ્રાંગણમાં ત્રિવેણિ વ્રતની ગંગાને ઉતારવામાં આવે છે. પ્રત્યેક વ્રતની પાછળ સંયમી બનવાનો અને સાત્વિક વૃત્તિઓ ઉધૃત કરવાનો ઉદ્દેશ હોય છે.
વ્રતો ફક્ત સ્ત્રીઓ પૂરતા જ સીમિત નથી, પ્રત્યેક વ્રતમાં શિવ અને શક્તિ એટલે પુરુષ અને સ્ત્રીનો સુભગ સમન્વય સધાયો છે. 'વ્રત' ની પરિભાષા (વ્યાખ્યા) આપવી દુષ્કર છે, છતાં એમ કહી શકાય કે, "વ્રત એટલે સુનિશ્ચિત ધાર્મિક અનુષ્ઠાન સાંગોપાંગ આચરણનો સુદ્રઢ સંકલ્પ." આપણા વિચારો જ્યારે ઇષ્ટદેવ પ્રતિ વળે છે અને આપણે આપણી જાત પરમ કૃપાળુ પરમાત્માને સમર્પણ કરીએ છીએ ત્યારે એકએક ચીજ ભવ્ય, દિવ્ય, સુંદર, સરળ અને શાંત બની જાય છે.
વ્રતનાં વિવિધ અંગો વિષે વિચારીએ તો પ્રત્યેક વ્રતને સુનિશ્ચિત સમય હોય છે, પૂજન હોય છે, અર્ચન હોય છે, સ્તવન હોય છે. વ્રત-ઉપાસના માટે એનાં ઉપાસ્ય દેવ-દેવીઓ હોય છે. એનાં સંકલ્પ વિશેષ હોય છે. એની સુનિશ્ચિત પૂજા-વિધિ અને ઉદ્યાપન વિધિ તેમજ ચોક્કસ દાન-દક્ષિણા પણ અનિવાર્ય છે.
પ્રાચીન કાળથી એટલે કે ઋષિ પરંપરાથી અસ્તિત્વમાં આવેલી આ વ્રત-ઉપાસના જડ નથી, પણ પરમ ચેતનમય છે. એનું કારણ એ છે કે, વ્રત કરનાર વ્યક્તિ (વ્રતી) શાશ્વત ધાર્મિક પરંપરામાં અખૂટ અને અનન્ય શ્રદ્ધા ધરાવે છે. શ્રદ્ધા અને ભક્તિથી વિવિધ પ્રકારનાં પ્રસંગોચિત વ્રતોનું આચરણ કરવાની પ્રણાલિકા પ્રાચીન કાળથી પ્રચલિત છે, અને આર્ય નર-નારીઓ અનન્ય આસ્થાથી આ વ્રતોનું અણિશુદ્ધ આચરણ કરતાં આવ્યાં છે.
માનવ દેહ અતિ દુર્લભ છે. દુર્લભ મનુષ્ય દેહ જન્માંતરને અંતે અને મહા પ્રયાસે પ્રાપ્ત થાય છે. માનવ દેહ દેવોને પણ દુર્લભ છે ! આવો દેહ ધરીને જન્મ સફળ કરી સંસાર પાર ઊતરવાનું સાધન વ્રત-ઉપાસના છે.
વ્રતો અને પર્વો ધર્મનાં અવિભાજ્ય અંગો છે. વ્રતો અંતઃકરણની શુદ્ધિ દ્વારા આત્માને નિર્મળ બનાવનારાં અમોઘ સાધનો છે અને વ્રતો, પર્વો કે ઉત્સવના દિવસો એ રૂડાં સાધનોનો કલ્યાણકારી ઉપયોગ કરવાનો સર્વોત્તમ સમય છે. જેમના ઉપર ઇષ્ટદેવની અસીમ કૃપા ઊતરે છે તેમને સુખ-સમૃદ્ધિનું અને રિદ્ધિ-સિદ્ધિનું ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. વ્રતની શક્તિ અપરંપાર છે. વ્રત-ઉપાસનામાં વ્રતી ભાવવિભોર બની જાય છે ત્યારે પરમ કૃપાળુ પરમાત્માનો સાક્ષાત્કાર થઇ જાય છે.
વ્રતનો શુભારંભ શુભ તિથિ, શુભ વાર, શુભ નક્ષત્ર, શુભ માસ અને શુભ સમયમાં વિદ્વાન આચાર્યની આજ્ઞાનુસાર કરવામાં આવે તો તે વ્રત મંગલકારી નીવડે છે. મંગલ કાર્યો માટે ધર્મશાસ્ત્રોમાં નિષિદ્ધ સમય નક્કી કરેલો હોય છે. જો અધિક માસ હોય, ગુરુ-શુક્રનો અસ્ત હોય, બાલ અથવા વૃદ્ધ હોય ત્યારે વ્રતના આરંભનો નિષેધ કરવામાં આવ્યો છે. રવિ, મંગળ અને શનિવારને દિવસે સંબંધિત કર્મ જ સિદ્ધ થાય છે, અને સોમ, બુધ, ગુરુ અને શુક્ર સર્વ કાર્યોમાં સિદ્ધિપ્રદ ગણાય છે.
અગસ્ત્યોદયનો સમય શુભ કાર્ય માટે વર્જ્ય ગણાય છે. તદુપરાંત વિરુદ્ધ, વૈધૃતિ, વ્યતીપાત, પરિધ, વિષ્કંભક, વજ્ર, વ્યાખાત, શૂલ, ગંડ, અતિગંડ, વગેરે યોગોનો સંપૂર્ણ અથવા અંશતઃ ત્યાગ કરવાના પણ ચોક્કસ નિયમો નિશ્ચિત કરેલા હોય છે. આ ઉપરાંત મલમાસ (અધિક માસ), ક્ષય માસ, દુષ્ટહોરા, વૃદ્ધિ અને ક્ષય તિથિ તેમજ જન્મ માસ, જન્મતિથિ, જન્મ નક્ષત્ર અને પિતાના મૃત્યુનો દિવસ પણ શુભ કાર્ય માટે વર્જ્ય ગણવામાં આવ્યો છે. વ્રતનો શુભ આરંભ આચાર્ય પુરોહિતના આદેશ અનુસાર જ કરવો.
વ્રતના અનુષ્ઠાન માટે દરેક પર્વત, નદી, સમુદ્ર, નૈમિષારણ્ય ક્ષેત્ર, કેદાર, કાશી, કુરુક્ષેત્ર, પ્રયાગ, પુષ્કર, અમરકંટક વગેરે પવિત્ર અને પુણ્ય સ્થળ ગણવામાં આવ્યાં છે. પરંતુ જો આર્થિક સ્થિતિ નબળી હોય તો નદી, ઓદકાન્તમ્ (જળાશય), દેવમંદિર, પોતાના નિવાસ સ્થાનનો વિશુદ્ધ ભાગ વગેરે અનુષ્ઠાન માટે પવિત્ર ગણાય છે.
ચારેય વર્ણનાં સ્ત્રી-પુરુષોને વ્રતનો અધિકાર છે, પરંતુ વ્રતીનું ધર્માચરણ વિશુદ્ધ હોવું જરૂરી છે. વ્રતી નિર્લોભી, સત્યવાદી, આડંબર રહિત, વેદની નિંદા ન કરનાર, બુદ્ધિશાળી અને સદાચારી હોવો જોઈએ.
ઉપવાસ એ વ્રતનું અનિવાર્ય અંગ છે. નિરાહાર રહેવું જરૂરી છે. વારંવાર જલપાન કરવાથી, તમાકુ (તાંબૂલ) ખાવાથી, દિવસ દરમિયાન શયન કરવાથી અને મૈથુનને લીધે ઉપવાસ નષ્ટ થાય છે. વ્રતીએ શૌચ ક્રિયાથી પરવારી સ્નાન કરી, આચમન કરી, નિરાહાર રહી સંકલ્પ કરવાના હોય છે. જે દેવ-દેવીનું વ્રત હોય તેનું મૂર્તિ પૂજન કરવું, ભૂમિ શયન કરવું, જપ, હોમ, દાન, બ્રાહ્મણોનું પૂજન, એમને ભોજન તથા દક્ષિણા આપવી અનિવાર્ય છે. લોભ, ક્રોધ કે પ્રમાદથી વ્રતભંગ થયો હોય તો તેનું પ્રાયશ્ચિત્ત કરીને વ્રતનો પુનઃ આરંભ કરવો. જલ, મૂળ, ફળ, દૂધ, હવિષ્ય, બ્રાહ્મણની ઇચ્છા, ગુરુનું વચન અને ઔષધ - આ આઠ ઉપવાસનો ભંગ કરતાં નથી.
વ્રત દરમિયાન નાસ્તિક, પતિત, અને પાખંડી સાથે સંભાષણ કે વિતંડાવાદ વર્જિત છે. વ્રત અને દાનનો શુભ આરંભ સૂર્યોદય વિના કરવો નહિ. ઋષિમુનિઓની આજ્ઞા છે કે, સર્વ કર્મોના પ્રારંભમાં પ્રણવ મંત્રનો ઓમકારનો ઉચ્ચાર કરવો.
વ્રત દરમિયાન હવિષ્યમાં જવ, શાળ, ચોખા, મગ, વટાણા, જળ, દૂધ, સામો, નીવાર અને ઘઉં વગેરે ઉપયોગમાં લઇ શકાય. તદુપરાંત કંદમૂળ, સિંધાલૂણ, સમુદ્ર લવણ, ગાયનુ દૂધ, ઘી, પનસ, કેરી, હરડે, પીપર, જીરૂ, સૂંઠ, સાકર વગેરે પણ સ્વીકાર્ય છે.
વ્રતમાં પંચરત્ન, પંચદ્રવ્ય, પંચામૃત, સપ્તમૃતિકા, સપ્તધાતુ, વગેરે ઉલ્લેખ અનુસાર પૂજા-વિધિમાં લઇ શકાય છે. તદુપરાંત સુવર્ણ, રજત, તામ્ર અથવા મૃતિકાઓ કળશ ઉપયોગમાં લેવામાં આવે છે. દેવ પ્રતિમા પોતાની શક્તિ અનુસાર તૈયાર કરાવવી. હોમની સંખ્યા ૧૦૮ રાખવી. હોમમાં હંમેશા ગાયના ઘીનો ઉપયોગ કરવો.
વ્રતમાં વિદ્વાન અને સદાચારી બ્રાહ્મણની વરણી કરવી, આચાર્ય ને એમની અર્ધાગનાને વસ્ત્રાલંકાર અર્પણ કરીને એમનું પૂજન કરવું. ઋત્વિજ તરીકે બીજા ૨૪ અથવા ૨૫ બ્રાહ્મણોને પસંદ કરવા. એમને પણ વસ્ત્રાલંકાર અર્પી પત્ની સહિત એમનું પૂજન કરવું. પૂજા વિધિ આડત્રીસ ઉપચારથી, દશોપચારથી કે ષોડષોપચારથી કરવી અને પૂજાને અંતે વિસર્જન કરવું.
દેવપૂજનમાં નિષિદ્ધ દ્રવ્યોમાં ભગવાન વિષ્ણુ માટે અક્ષતથી પૂજા વર્જિત છે. દૂર્વા (દાભડો) થી દેવીપૂજન અને બિલ્વપત્રથી સૂર્ય-પૂજા કદી ન કરવી. શિવ અને સૂર્ય-પૂજન સિવાય સર્વત્ર શંખ દ્વારા જ અભિષેક કરવો.
વ્રતની પરિપૂર્ણતા માટે ઉદ્યાપન આવશ્યક છે. ઉદ્યાપન વિના વ્રતની ફલશ્રુતિ પ્રાપ્ત થતી નથી. વ્રત અનુસાર ગૌદાન, સુવર્ણ દાન, વગેરે વિધિ આચાર્યની આજ્ઞા અનુસાર કરવી. બ્રહ્મવાક્ય કદી મિથ્યા થતું નથી.
વ્રતરાજની મોટા ભાગની વ્રતકથાઓ પૌરાણિક છે. આથી મુખ્ય વક્તા સુતજી છે અને શ્રોતાઓ શૌનક વગેરે મુનિઓ છે. સૃષ્ટિમાં સુતજી જેવા દિવ્ય વક્તા અને શૌનક જેવા શ્રદ્ધાવાન શ્રોતા ખરેખર દુર્લભ છે.
દેવ, દાનવ અને માનવને કર્મના ફળ તો ભોગવવા જ પડે છે. નિયતિનું ચક્ર સ્વયં વિધાતાને પણ છોડતું નથી. પુણ્યના સંચય માટે અને પાપના ક્ષય માટે તેમજ મનોકામના પરિપૂર્ણ કરવા માટે વ્રતોનું આચરણ અનિવાર્ય છે.
વ્રતોનું પ્રયોજન છે પુણ્યવૃદ્ધિ અને પાપનો ક્ષય. વ્રતરાજના વ્રતો ઉપદ્રવોની શાંતિ માટે આચરવામાં આવ્યાં છે. વ્રતરાજની વ્રતકથાઓનો વ્યાપ વિશાળ છે, જે જીવનનાં સર્વ અંગોને સ્પર્શે છે અને સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાવોને અભિવ્યક્ત કરે છે.
ભાવ, ભક્તિ અને ભાવનાનો ત્રિવેણિ સંગમ મળે ત્યારે માનવીનાં અંતમાં દિવ્ય જ્યોત પ્રગટે છે. જોકે વ્રતનું ફળ અચૂક મળે જ છે, પણ વ્રત શ્રદ્ધા અને ભક્તિથી કરવું જોઇએ. વ્રત કરવાથી દરિદ્રપણું અને ત્રિવિધ તાપ (આધિ, વ્યાધિ અને ઉપાધિ) નષ્ટ થાય છે. વ્રત એ તો અંતરવીણાનો મધુર ઝંકાર, ચેતનનું ગીત અને પરમ ધામનો પ્રસાદ છે.
વ્રત-ઉપાસનાથી ભક્તિ, ભજન અને ભાવનાની પ્રભુમય પ્રતિકૃતિ (છબી) અંતઃકરણના અતળ ઊંડાણમાં અંકિત થાય છે. વ્રત-ઉપાસના એ જીવનદાન દેનાર સંજીવની છે, મોક્ષમાર્ગનું ઉત્તમ સોપાન છે અને સંયમી જીવનનું પાથેય (ભાથું) છે, તેમજ સરળતા અને શુદ્ધિનું સોપાન છે. વ્રત-ઉપાસના કરનાર વ્રતિની સર્વ મનોકામના પરિપૂર્ણ થાય છે.

કરવામાં સાવધાની, થવામાં પ્રસન્નતા

ईश्वरः सर्वभूतानां ह्रद्देशेअर्जुन तिष्ठति ।
भ्रामयन्सर्वभूतानि यंत्रारूढानि मायया ॥ (ગીતા ૧૮-૬૧)
આનો અર્થ એ થયો કે ઈશ્વર સઘળાં પ્રાણીઓને પોતાની માયાથી ભ્રમણ કરાવતાં સર્વ પ્રાણીઓના હ્રદયમાં સ્થિત છે. તો પ્રશ્ન એ થાય છે કે બધું જ શું ઈશ્વર જ કરાવે છે કે શું?
તો હવે એનો ઉત્તર સાંભળો, એક હોય છે 'કરવું' અને એક હોય છે 'હોવું-થવું', તો 'કરવા' માં તો આપણા સૌનો અધિકાર છે; પરંતુ હોવામાં કે થવામાં આપણો અધિકાર નથી. ભગવાન કહે છે -
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।
मा कर्मफलहेतुर्भुर्मा ते संगोअस्त्वकर्मणि ॥ (ગીતા ૨-૪૭)
તારો કર્મ કરવામાં અધિકાર છે, ફળમાં ક્યારેય નહીં. એટલે તું કર્મફળનો હેતુ ન બન અને તારી અકર્મણ્યતામાં પણ આસક્તિ ન થાવ.
એક તો આપણે કરીએ છીએ અને એક થાય છે. તો કર્મ આપણે કરીએ છીએ અને ફળ હોય છે. કરવામાં કર્તૃત્વનું અભિમાન રહે છે, એ જ આગળ જતાં ફળભોગમાં પરિવર્તન પામે છે. પરંતુ કર્તૃત્વ રહિત જે ક્રિયા થાય છે તે કર્મ નથી બનતી અને તેનું ફળ ભોગમાં પરિવર્તન પામતું નથી. આપણે તો કામ કરીએ છીએ તે કામના તથા આસક્તિને લઈને કરીએ છીએ અને જે થાય છે તે ભગવાન દ્વારા બનાવેલા વિધાનથી થાય છે.
કરવામાં મનુષ્યએ સાવધાન રહેવું જોઇએ અને થાય (બને) તેમાં અને 'થવા-હોવા' માં પ્રસન્ન રહેવું જોઇએ, કરવામાં સાવધાનીનું તાત્પર્ય એ છે કે કર્તૃત્વ અભિમાન તથા ફળની ઇચ્છાનો ત્યાગ કરીને પોતાની પૂરી શક્તિ અને સામર્થ્યથી કાર્ય કરીએ, કેમ કે કર્તૃત્વ અભિમાન અને ફલેચ્છા રાખીને જે કર્મ કરવામાં આવે છે તે બંધન કરનારું હોય છે. પરંતુ -
यस्य नाहंकृतो भावो बुद्धिर्यस्य न लिप्यते ।
हत्वापि स ईमाँल्लोकान्न हन्ति न निबध्यते ॥ (ગીતા ૧૮-૧૭)
જેને અહંકૃત ભાવ નથી અને બુદ્ધિમાં લેપન, આસક્તિ અને કામના વગેરે નથી એ સર્વ લોકોને મારી નાખે તો પણ તે નથી મારતો અને નથી બંધાતો, કેમ કે એનામાં કર્તૃત્વ તથા ભોકતૃત્વ નથી તેથી કરવામાં સાવધાન રહેવાનો અર્થ એ થયો કે કર્તાપણાનાં અભિમાનને અને ભોગેચ્છા એમ બન્નેનો ત્યાગ કરવો. આ કર્તાપણું અને ભોક્તાપણું ભગવાનનું બનાવેલું નથી, એ તો જીવે સ્વયં બનાવ્યું છે -
न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः ।
न कर्मफलसंयोगं स्वभावस्तु प्रवर्तते ॥ (ગીતા ૫-૧૪)
પરમાત્મા ન તો કર્તૃત્વને પેદા કરે છે, ન કર્મો કરાવે છે કે અમુક-અમુક કામ તમે કરો અને ન તો કર્મના ફળ સાથે સંબંધ કરાવે છે કે આ કર્મ કરવાથી તમને આ ફળ મળશે. આ ભગવાને કરેલી રચના નથી. કર્તૃત્વ એણે સ્વયં બનાવ્યું છે, કર્મ એ સ્વયં પોતે કરે છે અને ફળનો ભાગી પણ સ્વયં જ બને છે. મનુષ્યનો અનાદિકાળથી જે સ્વભાવ બન્યો છે, તેને વશીભૂત થઈને કર્મ કરે છે, પરંતુ તે માની લે છે કે પોતે કાંઈ કરે છે, પ્રભુ-પ્રેરણાથી કરે છે. વાસ્તવિકતા એ છે કે જ્યાં સુધી મનુષ્યમાં કર્તૃત્વ અભિમાન છે, ફલેચ્છા છે, આસક્તિ છે, કામના છે ત્યાં સુધી તે પ્રભુ-પ્રેરણાથી કાર્ય નથી કરતો. તે તો કામનાની પ્રેરણાથી કાર્ય કરે છે, અને એનું ફળ બંધન હોય છે. પરંતુ જ્યારે સ્વાર્થ, કામના, રાગ, વિષમતા વગેરે ન રહે અને અંતઃકરણ નિર્મળ થઈ જાય છે; ત્યારે એ ક્રિયા ફળજનક નથી હોતી, બંધનકારક નથી હોતી.
कर्मण्यकर्म यः पश्येत् । (ગીતા ૪-૧૮)
એટલે કે તે મનુષ્ય કર્મમાં અકર્મ જુએ છે અને -
यस्य सर्वे समारम्भाः कामसंकल्यवर्जिताः ।
ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पंडितं बुधाः ॥ (ગીતા ૪-૧૯)
'સમારમ્ભાઃ' એટલે સમ્યક્ આરંભ, આરંભમાં ઓછી નહીં, અર્થાત્ ક્રિયાઓમાં કિંચિતમાત્ર પણ ત્રુટિ નથી હોતી. અને 'કામસંકલ્યવર્જિતાઃ' એટલે કામનો સંકલ્પ જરા પણ નથી, એવા પુરૂષ 'જ્ઞાનાગ્નિદગ્ધકર્મા' હોય છે અર્થાત્ બધાં જ કર્મ જ્ઞાનરૂપી અગ્નિમાં બળી જાય છે. જ્ઞાન શું છે? જ્ઞાન એટલે પ્રકૃતિ અને પુરૂષનો સંબંધ-વિચ્છેદ થઈ જવો તે જ્ઞાન. યોગ્ય જ્ઞાન ઉત્પન્ન થવાથી પ્રકૃતિ-પુરૂષનો સંબંધ વિચ્છેદ થઈ જાય છે, જે સમયે ક્રિયાઓ બધી પ્રકૃતિમાં રહે છે, આપણા સ્વયંમાં નથી રહેતી, ત્યારે કર્મ બનતું નથી. કર્મ જ્ઞાનરૂપી અગ્નિથી બળી જાય છે. અને જ્ઞાન ક્યારે થાય છે? તો જ્યારે 'સર્વે સમારમ્ભાઃ કામસંકલ્પવર્જિતાઃ' સઘળાં કર્મ કામના વિના, સંકલ્પ વિના થાય છે. જ્યાં સુધી કામ અને સંકલ્પ રહે છે, ત્યાં સુધી ક્રિયાઓ મનુષ્યની સવ્યંની પોતાની હોય છે.
હવે વિચાર એ કરવાનો છે કે જ્યારે ક્રિયાઓ સ્વયંની હોય છે તો આ ક્રિયાઓ કરવામાં આપણે સ્વતંત્ર છીએ કે પરતંત્ર? તો એવું કહેવાયું છે કે કરવામાં એ સ્વતંત્ર છે, ફળ ભોગવવામાં પરતંત્ર છે. પરંતુ કરવામાં પણ અધિકાર અનુસાર સ્વતંત્ર છે, સર્વથા સ્વતંત્ર નથી. જેમ કે, આપણે આપણા દેશમાં રહેવા સ્વતંત્ર છીએ, પરંતુ બીજા દેશમાં જવા માટે ત્યાંથી આજ્ઞા લેવી પડે છે. આ જ રીતે, મનુષ્ય કરવામાં પોતપોતાના ક્ષેત્ર અને અધિકાર અનુસાર સ્વતંત્ર છે. આપણે મનુષ્ય લોકમાં કામ કરવામાં સ્વતંત્ર છીએ. પરંતુ લોકોત્તરમાં જવા સ્વતંત્ર નથી.
બીજી વાત એ છે કે આપણે જે કાંઈ કર્મ કરીએ છીએ એમાં પાંચ હેતુ હોય છે –
अधिष्ठानं तथा कर्ता करणं च पृथग्विधम् ।
विविधाश्च पृथक्चेष्टा दौवं चैवात्र पंचमम् ॥ (ગીતા ૧૮-૧૪)
शरीरवाङ्मनोभिर्यत्कर्म प्रारभते नरः ।
न्याय्यं वा विपरीतं वा पंचैते तस्य हेतवः ॥ (ગીતા ૧૮-૧૫)
આ પાંચ હેતું હોય છે. એમાં વિહિત કર્મના જે સંસ્કાર છે તેઓ પણ હેતુ છે અને જે ચેતન સત્તા છે, તે પણ હેતુ છે.
તો આપનો પ્રશ્ન હતો -
ईश्वरः सर्वभूतानां ह्रद्देशेअर्जुन तिष्ठति ।
भ्रामयंसर्वभूतानि यंत्रारूरढानि मायया ॥ (ગીતા ૧૮-૬૧)
બધાના હ્રદયમાં ઈશ્વર વિરાજમાન છે અને ગાડીના ચાલકની જેમ સઘળાં પ્રાણીઓને તે ફેરવી રહ્યો છે. એટલે કે, મનુષ્ય સ્વયં કશું નથી કરતો, સઘળાં પ્રાણીઓ દ્વારા ક્રિયા કરાવવામાં ભગવાનનો હાથ છે.
તો ભગવાનના હાથ કેટલા છે? તો કહે છે 'यंत्रारूढानि मायया' અર્થાત્ ભગવાન એમની માયાથી મનુષ્યોના કર્મો અનુસાર એમના યંત્રને પ્રેરિત કરે છે. સ્ફુરણા આપે છે. ભગવાન મનુષ્યના સંચિત અને પ્રારબ્ધ કર્મો અનુસાર ક્રિયા કરવામાં પ્રેરણા આપે છે. ઈશ્વર કેવળ સ્ફુરણા આપે છે -
न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः ।
न कर्मफलसंयोगं स्वभावस्तु प्रवर्तते ॥ (ગીતા ૫-૧૪)
ભગવાન "આ કામ તમે કરો", "આ કામમાં લાગી જાઓ" એવી પ્રેરણા આપતા નથી. અને આ ફળ તમારે ભોગવવું પડશે. એવી પણ પ્રેરણા નથી આપતા. અને તમે કર્તા બની જાઓ એ પ્રેરણા પણ ભગવાન આપતા નથી.
ભગવાન શું કરે છે? ભગવાન કેવળ સ્ફુરણા કરે છે. જેનાથી સર્વ ક્રિયાઓ થાય છે. જેવી રીતે વીજળીનું દૃષ્ટાંત લો. વીજળીનો સંબંધ માઈક સાથે કરી દીધો તો અવાજ ફેલાઈ જાય. હીટર સાથે સંબંધ જોડો તો ગરમી થઈ જાય. બરફના મશીન સાથે જોડો તો બરફ જામી જાય. વીજળી યંત્રોને પ્રેરણા આપે છે, પરંતુ અમુક યંત્રથી અમુક કામ કરાવી લઉ એવો આગ્રહ વીજળીનો હોતો નથી. વીજળી નિરપેક્ષ રહે છે, તેની સત્તા-સ્ફુરણાથી બધી ક્રિયાઓ થયા કરે છે.
એવી જ રીતે, ભગવાનની સત્તા-સ્ફુરણાથી મનુષ્યની પોતાના અંતઃકરણનાં સંસ્કારો અનુસાર, સ્વભાવને અનુસાર ક્રિયાઓ થાય છે, એના સ્વભાવમાં કર્તૃત્વ-અભિમાન તથા ફલાસક્તિ મુખ્ય છે. આ કર્તૃત્વ-અભિમાન અને ફલાસક્તિ મનુષ્ય રાખે, ન રાખે એમાં તે સ્વતંત્ર છે. કામના રાખવામાં, ન રાખવામાં, રાગ-દ્વેષ રાખવામાં, ન રાખવામાં મનુષ્ય સ્વતંત્ર છે. પરંતુ જ્યારે આ કર્તૃત્વ-અભિમાન, ફલાસક્તિ, કામના, રાગ-દ્વેષ વગેરે રાખે છે તો આ યંત્રારૂઢ થઈ જાય છે અને ત્યારે 'કરવા' માં તે પરતંત્ર થઈ જાય છે.
એટલા માટે અર્જુને પૂછ્યું -
अथ केन प्रयुक्तोअयं पापं चरित पूरूषः । अनिच्छन्नपि...
ન ચાહવા છતાં પણ પુરૂષ પાપનું આચરણ કેમ કરે છે? તો ભગવાન ઉત્તર આપ્યો કે - 'काम एषः' આ જે કામના છે કે આ મળવું જોઇએ, આ ન મળવું જોઇએ, આમ થવું જોઇએ, આમ ન થવું જોઇએ. આ જ સઘળાં પાપોનું અને અનર્થોનું મૂળ છે. એ પણ કામના છે કે કામિની, કાંચન અને કીર્તિ મળે. પરંતુ કામનાનું મૂળ છે કે મારા મનને અનુકૂળ વાત થઈ જાય અને મનને પ્રતિકૂળ ન થાય.
જ્યાં સુધી કામના રહેશે, ત્યાં સુધી મનુષ્ય પરતંત્ર રહેશે. અને આ કામનાને રાખવામાં અને કાઢવામાં આપણે બિલકુલ સ્વતંત્ર છીએ -
ईन्द्रियस्येन्द्रियस्यार्थे रागद्वेषौ व्यवस्थितौ ।
तयोर्न वशमागच्छत्तौ ह्यस्य परिपन्थिनौ ॥ (ગીતા ૩-૩૪)
ઈન્દ્રિયોમાં રાગ-દ્વેષ છુપાયેલા છે, એ બન્નેના વશમાં ન આવશો, જો રાગ-દ્વેષના દોરાવ્યા પ્રમાણે ચાલશો તો રાગ-દ્વેષને પુષ્ટિ મળશે. પરંતુ રાગ-દ્વેષને વશીભૂત નહીં થાઓ તો રાગ-દ્વેષ મટી જશે. તેથી અહીંયા રાગ-દ્વેષને વશ ન થવાની વાત જણાવી છે. તો રાગ-દ્વેષ મટાડીને યંત્રને શુદ્ધ કરી લો.
અને એજ બીજો ઉપાય બતાવ્યો - 'तमेव शरणं गच्छ' કે જે ઈશ્વર તમામ પ્રાણીઓને ફેરવે છે, એની શરણમાં જાઓ, શરણે જવાથી શું થશે? ભગવાન કહે છે -
मन्ममा भव मद्भक्तो मद्याजी मां नमस्कुरू ।
मामेवौष्यसि सत्यं ते प्रतिजाने प्रियोअसि मे ॥ (ગીતા ૧૮-૬૫)
આવા ભગવાનને શરણે જવાથી બધું જ ઠીક-ઠીક થઈ જશે અને ભગવાનને જ પ્રાપ્ત થઈ જશો. એટલે ઉપાય થયો કે ચાહો તો રાગ-દ્વેષ સમાપ્ત કરીને યંત્રને શુદ્ધ કરી લો, અથવા ભગવાનને શરણે થઈ જાઓ.
તેથી જીવ જ્યાં સુધી કર્તૃત્વ-અભિમાનપૂર્વક પોતાના મન અનુસાર કાર્ય કરશે તો એનું ફળ એણે ભોગવવું જ પડશે અને દુઃખ વેઠવું પડશે.
એટલા માટે એ વિચારવાનું છે કે આપણે જે કરીએ છીએ ઈશ્વરની પ્રેરણાથી કરીએ છીએ, એ વાત ભૂલ ભરેલી, ખોટી છે. આપણે જેવું કર્મ કરીએ છીએ, તે અનુસાર ફળ ભોગવવું જ પડે છે. આ ભગવાનનું વિધાન છે, કે આમ કરશો તો આવું ફળ મળશે. તેથી 'કરવા' માં સદા સાવચેત રહો અને જે થાય છે એમાં પ્રસન્ન રહો કે બધું આપણા પ્રભુના વિધાન અનુસાર થાય છે.
રામ રામ રામ રામ રામ રામ
("જીવનનું સત્ય" પુસ્તક માંથી)

બ્રહ્મની પ્રકૃતિ - સ્વામી શિવાનન્દ

અનંત, નિરાકાર, નિર્ગુણ, નિર્વિશેષ, અદૃષ્ટ વગેરે બધા બ્રહ્માના અભાવાત્મક ગુણ છે. સચ્ચિદાનંદ, સત્ય, શાંત, જ્ઞાન વગેરે એમના ભાવાત્મક ગુણ છે.
ઈશાવાસ્ય ઉપનિષદમાં આત્માના ગુણોનું આમ વર્ણન કરવામાં આવ્યું છે "આત્મા સર્વવ્યાપી, તેજસ્વી, અકાય, અવ્રણ, સ્નાયુ રહિત, શુદ્ધ, અપાપહત, સર્વ દ્રષ્ટા, સર્વજ્ઞ, સર્વોત્કૃષ્ટ અને સ્વયંભૂ છે. એણે જ નિત્ય-સિદ્ધ પ્રજાપતિઓના માટે યથાયોગ્ય રીતે કર્તવ્યોનો વિભાગ કર્યો છે." (મંત્ર ૮)
સાકાર પદાર્થોની જ ઉત્પત્તિ અને નાશ થઈ શકે છે. બ્રહ્મ કે ચૈતન્ય નિરાકાર છે, એની ઉત્પત્તિ અને નાશ માનવું એ મૂર્ખતા છે. બ્રહ્મ નિરાકાર છે, શુદ્ધ ચૈતન્ય છે.
કોઈ પણ નાના બાળકને નિમ્નાંકિત પ્રશ્ન પૂછો. તે આત્માના અવિનાશિત્વનો પ્રતિપાદક સાચો ઉત્તર આપશે.
"કેમ ભાઈ, તમારું નામ શું છે?" "મારું નામ રામ છે" "આ નામ તારું છે કે આ જે શરીર છે તેનું છું?" તો તે કહેશે "આ નામ તો આ શરીરનું છે." "આ ટોપી કોની છે?" બાળક રામ કહે "મારી!" "જો આ ટોપી નષ્ટ થઈ જાય, તો શું તું પણ વિનાશને પ્રાપ્ત થશે?" રામ કહે "નહિ" "શરીરનો અંત થઈ જાય, તો શું તારો પણ સંત થઈ જશે?" રામ કહે "નહિ, હું તો અમર આત્મા છું..."
"सत्यं ज्ञानं अनन्तं ब्रह्म" (તૅત્તિરીય ઉપનિષદ ૨/૧). વેદાન્તી લોક ઘણીવાર આનું ઉદ્ધરણ (ગ્રંથના કોઇ ભાગમાંથી ઉદાહરણ) આપે છે.
આ ધરતી પર એ અસીમ, અવ્યક્ત બ્રહ્મના ચાર પ્રતીક છે - હિમાલય, સાગર, વિશાળ આકાશ અને સૂર્ય.
શ્રુતિઓએ બ્રહ્મની પ્રકૃતિના વિષયમાં ભાર આપીને કહ્યું છે "आकाशवत् सर्वगत नित्य।" આકાશની જેમ તે નિત્ય અને વિભુ (સર્વવ્યાપી) છે. આકાશ અને સાગર આ બન્ને કેમ કે અસીમ છે, તેથી સૂક્ષ્મ છે, વિભુ છે અને નિરાધાર છે. બ્રહ્મ પણ સૂક્ષ્મ છે, વિભુ છે અને નિરાલંબ છે. આ છે આકાશ અને બ્રહ્મમાં સામ્ય.
હસવું, ગાવું, નાચવું - આ બધા આનંદના લક્ષણ છે. આથી સંકેત મળે છે કે મનુષ્ય વાસ્તવમાં આનંદ રૂપ છે. આથી જાણવા મળે છે કે આનંદ આત્માનો ગુણ છે અર્થાત્ આ સિદ્ધિ થાય છે કે બ્રહ્મ આનંદઘન (આનંદ સ્વરૂપ) છે.
બ્રહ્મ ચિદ્ધન (જ્ઞાન-વિજ્ઞાન સ્વરૂપ) છે, પ્રજ્ઞાઘન (બુદ્ધિ સ્વરૂપ) છે. એમાં બીજી કોઈ વિશેષતા નથી. એમાં કોઈ પણ ભેદ નથી. બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું છે "મીઠામાં કોઈ અંદર-બહારનો ભેદ નથી. સર્વત્ર એક જ સ્વાદ છે. તે જ પ્રકારે આત્માનો પણ કોઈ અંદર-બહાર ભેદ નથી; તે વિજ્ઞાનઘન છે." (૪/૧૩) જેમ કે મીઠું સર્વત્ર (ધરતીના કોઈ પણ છેડે પકવેલું હોય, તેનો) એક જ સ્વાદ હોય છે, તે જ પ્રકારે બ્રહ્મ અંતર-બાહ્ય સર્વત્ર શુદ્ધ જ્ઞાનમય છે. આ અંદર અને બહારનો ભેદ માનસિક છે. જ્યારે મન મૌનમાં લીન થાય છે, ત્યારે અંદર-બહારનો ભેદ મટી જાય છે. યોગી ત્યારે અસીમ અને એક માત્ર શુદ્ધ ચેતન-પુંજનો અનુભવ કરે છે.
પાણીનું ધરાતલ વિસ્તૃત હોય છે, તો એમાં પ્રતિબિંમ્બિત સૂર્ય પ્રકાશ પણ વિસ્તૃત હોય છે. પાણીનું ધરાતલ સંકીર્ણ હોય છે, તો સૂર્ય પ્રકાશ પણ સંકુચિત હોય છે. પાણી હલે છે તો પ્રકાશ પણ હલે છે. પાણી બે ભાગોમાં વહેંચાય છે તો પ્રકાશ પણ બે ભાગોમાં વહેંચાય છે. પાણીના દરેક પ્રકારના પરિવર્તન સાથે પ્રકાશ પણ પરિવર્તન પામે છે, જ્યારે સૂર્ય તો એક અને સ્થિર છે !! આ પ્રકારે બ્રહ્મ સ્વયં એક સમાન અને સ્થિર હોવા છતાં પણ જે ઉપાધિઓમાં, શરીર, મન વગેરેમાં, જે ગુણધર્મો હોય છે, તે અનુસાર સ્વયં પણ પ્રતિભાસિત થાય છે. જો કે બધા ગુણધર્મો મિથ્યા છે, તો પણ એવું પ્રતીત થાય છે કે માનો એ પોતાના જ ગુણધર્મ છે.
બ્રહ્મમાં દ્વૈત નથી. એમાં અંદર-બહાર કઈ નથી. તે એક છે, સમાન છે, અવિભક્ત છે, અમર તત્ત્વ છે. તે જાગૃતિ, સ્વપ્ન અને સુષુપ્તિ રૂપ અવસ્થાત્રયથી (ત્રણ અવસ્થાઓ – જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિથી) વિમુક્ત છે. તે નિરાકાર છે. તે અણુથી પણ અણુતર છે, સૂક્ષ્મતમથી પણ સૂક્ષ્મ છે. સારા-ખરાબથી શ્રેષ્ઠ, શાંત, નિત્ય અને નિર્વિકાર છે, ગતિ અને જડતાથી મુક્ત છે, દેશાતીત છે, નિષ્કલંક અને પરિપૂર્ણ છે. સત્ અને અસત્ થી પણ શ્રેષ્ઠ છે.
બ્રહ્મ એની શાંતિથી પૂર્ણ છે. તે મૃત્યુ રહિત છે. મૃત્યુનો અર્થ છે શરીરમાંથી પ્રાણવાયુનું વિઘટન. આ જીવ માટે જ સંભવ છે; કારણ કે તે પ્રાણવાયુ સહિત છે. જ્યારે બ્રહ્મ કે આત્મ-સ્થિતિનું પ્રાણવાયુ સાથે કોઈ સંબંધ જ નથી, તો પછી મૃત્યુને સંભાવના કેવી રીતે? શ્રુતિ કહે છે "બ્રહ્મ પ્રાણવિહીન છે, ચિત-હીન છે, શુદ્ધ છે."
આત્માનું કર્મ સાથે કોઈ સંબંધ નથી. આત્મા કોઈ કાર્ય કે પરિણામ નથી. તે કોઈ પ્રાપ્તવ્ય કે શોધનીય પદાર્થ નથી. તે કર્તા કે ભોક્તા નથી. તે સર્વદા મૌન સાક્ષી છે.
આંખ એને જોઇ નથી શકતી. મન એનાં સુધી પહોંચી નથી શકતું. પ્રાપંચિક સ્થૂલ બુદ્ધિ એને ગ્રહણ નથી કરી શકતી. વાણી એનું વર્ણન નથી કરી શકતી. વાણી, જો કે કઈ પણ નથી કહી શકતી, કહેવા યોગ્ય શબ્દ જ નથી, તેથી મનની સાથે જ પાછી ફરે છે. ઋષિ કહે છે "એનાં સંબંધમાં કઈ પણ કહેવામાં અમે અસમર્થ છે. અમે ચકિત છીએ. એની મહિમા અનિર્વચનીય છે. એના વિષયમાં કઈ પણ કહેવાનો અર્થ છે એનો નિષેધ કરવો."
શું સીમિત મન અસીમને ગ્રહણ કરી શકે છે? પરંતુ જે સાધક સાધન-ચતુષ્ટ્યથી સંપન્ન છે, જે નિરંતર ધ્યાનમાં સ્થિત છે, જેની પ્રજ્ઞા તીક્ષ્ણ, સૂક્ષ્મ અને શુદ્ધ છે, તે બ્રહ્મને પ્રત્યક્ષ અનુભવ કરી શકે છે.
- પરમ શ્રદ્ધેય શ્રી સ્વામી શિવાનન્દજી મહારાજ
હિંદી અનુવાદક - શ્રી સ્વામી વિષ્ણુશરણાનન્દ સરસ્વતી
(સનાતન જાગૃતિ દ્વારા ગુજરાતી અનુવાદ

બ્રહ્મ શું છે? - સ્વામી શિવાનન્દ


બ્રહ્મ દેશ-કાળ-કારણથી અતીત પરમાત્મા છે. તે અસીમ છે, શાંત છે તથા બધા શરીરોમાં સમાન રૂપથી પ્રતિભાસિત હોય છે. તે કોઈ નિર્દિષ્ટ પદાર્થ નહીં હોય શકે. તે ચૈતન્ય છે. તે વસ્તુ છે. તે ગુપ્ત નિધિ છે. તે મણિઓના મણિ છે, રત્નોના રત્ન છે. તે અવિનાશી અનંત પરમ નિધિ છે જે ન ચોરી શકાય, ન લૂટી શકાય. તે ચિંતામણિઓના ચિંતામણિ છે જે મનુષ્યને બધા ઇચ્છિત પદાર્થ આપે છે.
જે સ્વયં બધાને જુએ છે, જેને બીજા નથી જોઇ શકતા; જે બુદ્ધિને પ્રકાશ આપે છે, પરંતુ જેને કોઈ પ્રકાશ નથી આપી શકતું, તે બ્રહ્મ છે, તે આત્મા છે.
બ્રહ્મ સ્વયં પ્રકાશ છે, શુદ્ધ સત્તા છે, વિશ્વાધાર છે, ચૈતન્ય રૂપ છે, પરમાનંદ રૂપ છે અને અપરિવર્તનશીલ છે.
તે પરમ સત્તા જ એક સત્તા છે. તે છે પરમાત્મા. તે છે પરબ્રહ્મ. તે અવિનાશી છે, અજ્ન્મા છે, અજર છે, અમર છે. તે સનાતન છે. તે એક છે. તે પ્રજ્ઞાનઘન (બુદ્ધિ સ્વરૂપ) તથા આનંદઘન (આનંદ સ્વરૂપ) છે.
બ્રહ્મ સત્-ચિત્-આનંદનો મહાન સાગર છે. એમની ચારે તરફ મન, પ્રાણ, આકાશ અને તન્માત્રાઓનો સાગર છે.
તે અશ્રુત શ્રોતા, અદૃષ્ટ દ્રષ્ટા, અચિંત્ય ચિંતક અને અજ્ઞાત જ્ઞાતા છે. બ્રહ્મ અજ, અજર, અમર અને અભય રૂપ છે. આ સંપૂર્ણ વિશ્વ જેમાં નિષ્પન્ન છે, જેમાં સ્થિત છે અને જેમાં લીન થશે તે છે બ્રહ્મ.
આત્મા નિત્ય છે, નિર્વિકાર છે, પ્રજ્ઞાનધન (બુદ્ધિ સ્વરૂપ), ચિદ્ધન (જ્ઞાન-વિજ્ઞાન સ્વરૂપ) અને અક્ષર છે. આત્મા દેશ-કાળની સીમાથી વિહીન છે. તે જ્ઞાનમય છે, શાંત અને સ્વયં જ્યોતિ છે, જ્યોતિર્મય છે. વેદાન્તના બધા સાધક બ્રહ્માનુભવ (બ્રહ્મનો અનુભવ) પ્રાપ્ત કરવા માટે આનું ધ્યાન કરે છે. તે પરમ વસ્તુ કહેવાય છે. તે અમરત્વ પ્રદાન કરનાર છે.
બ્રહ્મમાં ન પૂર્વ છે ન પશ્ચિમ, ન પ્રકાશ છે ન અંધકાર, ન સુખ છે ન દુઃખ, ન ભૂખ છે ન પ્યાસ, ન હર્ષ છે ન શોક, ન લાભ છે ન હાનિ.
આત્મા નિરવયવ (અવયવ હીન) છે, તેથી તે નિષ્ક્રિય છે. નિરવયવ આત્મામાં કર્તાપનનો આરોપ વળી કઈ રીતે કરી શકાય? આત્માનું કોઈ શરીર નથી. તે અતનુ (શરીર હીન) છે, નિરાકાર છે. પછી એને જરા (વૃદ્ધાવસ્થા), મરણ ક્યાંથી આવે? આત્મા અજર છે, અમર છે, અવિનાશી છે. આત્મા મન, શરીર વગેરેની જેમ ઉત્પન્ન નથી. નિત્ય ચૈતન્ય જ એનો સ્વભાવ છે. જીવાત્મા અને પરમાત્મા એક જ છે.
આત્મા જ્ઞાન માત્રનો દ્રષ્ટા છે, સાક્ષી છે; કારણ કે તે અસીમ અને સ્વયં-જ્યોતિ છે. તે ન તો સ્વયં પ્રકટ થાય છે અને ન તો કોઈ દ્વારા પ્રકટ કરી શકાય છે. એને પ્રત્યક્ષ અનુભવથી, અંતર્જ્ઞાનથી કે અપરોક્ષાનુભૂતિથી જાણી શકાય છે.
સચ્ચિદાનંદના રૂપમાં જ બુદ્ધિ બ્રહ્મને સમજી શકે છે. આ જ કારણ છે કે એમાં આ ગુણ માનવામાં આવે છે, પરંતુ બ્રહ્મ વાસ્તવમાં સચ્ચિદાનંદથી પણ ભિન્ન છે. આનો આ અર્થ નથી કે બ્રહ્મ અસ્તિત્વહીન કે શૂન્ય છે, અભાવાત્મક વિચાર કે આત્મ-વિષયક રહસ્ય છે. નહીં ! એકમાત્ર તે જ જીવંત સત્ય છે. એની જ સત્તા છે. તે સાર વસ્તુ છે.
મન સદૈવ (હંમેશા) આનંદની શોધમાં ભટકતું ફરે છે, કારણ કે તે આનંદમાંથી જ નિષ્પન્ન થયેલ છે. આપણને કેરી એટલા માટે પસંદ છે કારણ કે આપણને એનાથી સુખ મળે છે. પ્રત્યેક વસ્તુથી આત્મા સર્વાધિક પ્રિય છે. આ જે આત્મ-પ્રિયતાનો આત્મ-પ્રેમ છે, તે આ વાતનું દ્યોતક (સૂચક) છે કે આનંદ આત્માનો સ્વભાવ છે.
તે અદ્વિતીય (એકમાત્ર) પરમ સત્તા જે પ્રત્યેક હ્રદયમાં અંતર્યામી છે, સૂત્રધાર છે, સાક્ષી છે, અંતરાત્મા છે, જેનો આદિ, મધ્ય અને અંત નથી, જે વિશ્વ, વેદ, મન, બુદ્ધિ, શરીર, ઇન્દ્રિય, પ્રાણ વગેરેનો મૂળ સ્ત્રોત છે, જે સર્વવ્યાપી છે, નિર્વિકાર છે, એકરસ છે; ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં સમાન રૂપમાં છે, જે સ્વયંભૂ, સ્વતંત્ર અને સ્વયં-જ્યોતિ છે, તે ભગવાન છે, આત્મા છે, બ્રહ્મ છે, પુરુષ છે, ચૈતન્ય છે, પુરુષોત્તમ છે.
આત્મા જ્ઞેય માત્રથી ભિન્ન છે. અજ્ઞેયથી પણ તે શ્રેષ્ઠ છે. તે અગમ્ય છે. આનો એ અભિપ્રાય નથી કે તે કઈ જ નથી, શૂન્ય છે; તે ચિદ્ધન (જ્ઞાન-વિજ્ઞાન સ્વરૂપ) છે. ચૈતન્ય એક પથ્થર, હીરા કે સ્વર્ણથી પણ અધિક ઠોસ છે. તે એક વાસ્તવિક જીવિત સત્તા છે, બધાનો એકમાત્ર આધાર છે.
આત્મા મનુષ્યની અંદર અમર તત્ત્વ છે. આત્મા જ વિચારો, ઇચ્છાઓ તથા તર્કોનું ઉદગમ-સ્થાન છે. આત્મા આધ્યાત્મિક તત્ત્વ છે; કારણ કે શરીર અને મનથી તે શ્રેષ્ઠ છે. તે અવશ્ય જ અમર છે; કારણ કે તે દેશ-કાળ-કારણથી અતીત છે; અનાદિ, અનંત, અકારણ અને અસીમ છે.
આત્મા કે બ્રહ્મ અક્ષુણ્ણ, સનાતન અને અવિનાશી તત્ત્વ છે. જે સર્વજગદાધાર (સર્વ જગત આધાર) છે, જે જાગૃતિ, સ્વપ્ન, સુષુપ્તિ અવસ્થાઓનો મૌન સાક્ષી છે. આ આત્માને જાણનાર અમર થઈ જાય છે, અમૃતાનંદ પ્રાપ્ત કરી લે છે.
બ્રહ્મને આત્મા અને પુરુષ પણ કહે છે. પુરુષ તેથી કહે છે કારણ કે તે શરીરમાં છે, તે સ્વયં જ પૂર્ણ છે. જે કઈ પણ આપણે જોઇએ છીએ, બધામાં એ જ છે. આત્મા જ ચરમ સત્ય છે. તે ચરમ દાર્શનિક સિદ્ધાંત છે. તે સર્વાધાર છે. તે જ જીવંત સત્ય છે. તે ઉપનિષદુક્ત બ્રહ્મ છે, જગનો સહારો છે, આ શરીર અને પ્રાણનો આશ્રય છે. તે અવ્યક્ત છે, શુદ્ધ છે.
બ્રહ્મ સ્વયં-જ્યોતિ છે. બ્રહ્મ કોઈ અન્યથી પ્રકાશિત નથી. બ્રહ્મ બધાને પ્રકાશિત કરે છે. સ્વયં-જ્યોતિત્વ એક એવો મૂળભૂત સિદ્ધાંત છે, જેના આધાર પર વેદાન્તનો આખો મહેલ ઊભો છે. આત્માથી જ સૂર્ય, ચન્દ્ર, તારા, વીજળી, અગ્નિ, બુદ્ધિ, ઇન્દ્રિય વગેરેને પ્રકાશ મળે છે. આત્માના પ્રકાશથી જ બધું પ્રકાશિત છે, પરંતુ આત્માને કોઈ પ્રકાશિત નથી કરી શકતું.
એકમાત્ર આત્મા જ સત્તા છે. તે સ્વયં પોતામાં પ્રકાશિત છે. તે સ્વયં જ્યોતિ છે. સ્વયં જ્યોતિ આત્માથી પ્રકાશ લઈ શેષ બધા પદાર્થને પ્રકાશિત થાય છે.
મનુષ્યનો આત્મા બ્રહ્મ છે. તે જ સંપૂર્ણ વિશ્વનો આત્મા છે. બ્રહ્મ જ એક અસીમ છે. અસીમ બે પદાર્થ નહીં હોય શકે. જો બે અસીમ પદાર્થ હોય, તો તે આપસમાં ઝગડશે. એક કંઈક પેદા કરશે તો બીજો કંઈક મિટાવશે; તેથી અસીમ તો એક જ હોય શકે. આત્મા જ એકમાત્ર અસીમ બ્રહ્મ છે. શેષ અન્ય બધું જ એની અભિવ્યક્તિ છે.
બ્રહ્મ અજ, અવિનાશી, નિર્વિકાર, અતનુ (શરીર હીન) અને નિર્ભય છે. એનું કોઈ નામ-રૂપ-આકાર નથી. એમા6 સંકોચ-વિકાસ નથી, સુંદર-અસુંદર નથી. વાસ્તવમાં નિર્ભયતા જ બ્રહ્મ છે. જે બ્રહ્મને જાણે છે, તે અમર અને અભય થઈ જાય છે.
અંતરમાં ઝાંખો. તે જ આનંદનો સ્ત્રોત છે, તે જ સાચું જીવન છે. સાચો "હું" કોણ છે? તે આત્મા છ. તે જ બ્રહ્મ છે, શુદ્ધ ચૈતન્ય છે.
- પરમ શ્રદ્ધેય શ્રી સ્વામી શિવાનન્દજી મહારાજ

ૐ - પ્રણવોચ્ચાર કે ઓંકારધ્વનિ થી શું લાભ ??

આજે આપણે જોઇએ છીએ કે મનુષ્ય પોતાની પ્રસન્નતા વધારવા માટે ભિન્ન-ભિન્ન કાર્યક્રમોનું આયોજન કરે છે. આપણા ઘરમાં કોઈનો જન્મદિન મનાવવામાં આવે છે તો આપણને ઘણી પ્રસન્નતા થાય છે. આ અવસર પર આપણે આપણા ઘરની સજાવટમાં પણ કોઈ કમી નથી રાખતા. સજાવટમાં ફૂગ્ગાનું ઘણું મહત્વનું સ્થાન છે. આપણે જ્યારે દુકાનમાં ફૂગ્ગો ખરીદવા જઇએ છીએ ત્યારે જો દુકાનદાર નાનો અને મોટો એમ બે પ્રકારના ફૂગ્ગા બતાવે તો આપણે કયો ફૂગ્ગો પસંદ કરીશું? નિશ્ચિત રૂપે આપણે મોટો ફૂગ્ગો જ પસંદ કરીશું. જેવી રીતે આવા ફૂગ્ગા આપણને દુકાનમાંથી પ્રાપ્ત થાય છે તેવાં જ આપણી છાતીમાં બે મોટા ફૂગ્ગાઓ છે. જેને આપણે ફેફસાંના નામે ઓળખીયે છીએ. જે આપણા શરીરમાં આવની હવાને પ્રાણવાયુમાં રૂપાંતરીત કરે છે.
આપણા ફેફસાં જો નાના અને કમજોર બને તો તે ન તો આપણને પસંદ પડે ન તો ભગવાનને. આવા કમજોર શરીરમાં ભગવાન ક્યારેય નિવાસ નહીં કરે, તો શું એ ઠીક કહેવાય? નહીં ને? તો પછી આપણે આ ફેફસાં માટે સારી રીતે વ્યાયામ કરવું જોઇએ. જેમ સૂર્ય નમસ્કાર કરવાથી પૂરા શરીરનું વ્યાયામ થાય છે. અધ્યયન કરવાથી બુદ્ધિનું વ્યાયામ થાય છે. સંસ્કૃતના શ્લોકો-સ્તોત્ર બોલવાથી જિહવાનું વ્યાયામ થાય છે. તેવી જ રીતે પ્રણવોચ્ચાર કરવાથી આપણા ફેફસાંનું વ્યાયામ થાય છે.
કેટલીક વાર આપણે જોઇએ છીએ કે થોડુંક જ કામ કરવા પર પણ આપણને થાકનો અનુભવ થાય છે. અગર આપણે દિવસભરમાં ઓછામાં ઓછું ૫ મિનિટ પણ પ્રણવોચ્ચાર કરીએ છીએ તો ફેફસાંનું ઘણી સારી રીતે વ્યાયામ મળી શકે છે. આપણને જલદી થાક અનુભવ નહીં થાય, આપણી કાર્ય ક્ષમતા પણ વધી જાય છે અને શ્વાસ સંબંધી કોઇ પણ સમસ્યા હોય તો સમાપ્ત થઈ જાય.
એમ જોવામાં આવે તો મનુષ્યનું શરીર ઘણું મૂલ્યવાન છે, પરંતુ એનું મહત્વ આપણે સમજતા જ નથી. હવે તમે જ બતાવો કે શ્વાસ લેતી વખતે આપણું પેટ અંદર જાય કે બહાર આવે? આપણને એવું લાગશે કે તદ્દન સહેલી વાત છે, કે જ્યારે શ્વાસ લઇશું તો પેટ બહાર આવશે. નહીં !! આ વાત ખોટી છે. તમે જાતે જ પ્રયોગ કરી જુઓ. જ્યારે શ્વાસ લેશો ત્યારે પેટ અંદર જશે અને જ્યારે શ્વાસ છોડશો ત્યારે પેટ બહાર આવશે. હવે તમે જ કહો કે જન્મ્યાં પછી આપણે એક પળ પણ એવી નથી કે જ્યારે આપણે શ્વાસ નહીં લીધો હોય, પરંતુ શું આપણે આ બાબત ઉપર પહેલાં ધ્યાન આપ્યું હતું?
આપણને જીવન જીવવા માટે પ્રમુખતઃ ત્રણ પદાર્થોની આવશ્યકતા હોય છે –
(૧) ભોજન (૨) પાણી અને (૩) હવા
ઉપર્યુક્ત ત્રણેય માંથી સૌથી મહત્વપૂર્ણ હવા છે, કારણ કે મનુષ્ય ને જો ૧૫-૨૦ દિવસ ભોજન ન મળે તો તે જીવિત રહી શકે છે. પાણી વગર પણ મનુષ્ય ૪-૫ દિવસ જીવી શકે છે. પરંતુ ૫ મિનિટ જો એને હવા ન મળે તો મૃત્યુ અવશ્ય નિશ્ચિત છે. આજે આપણે સારામાં સારું ભોજન પ્રાપ્ત કરવા માટે કેટલા પ્રયાસો કરીએ છીએ. શુદ્ધ પાણી મળે એટલા માટે આપણે પાણીને ઉકાળી કે છાણીને પીએ છીએ. પરંતુ શુદ્ધ હવા કે જે બહુ મહત્વ પૂર્ણ છે એના માટે આપણે કશું નથી કરતાં - તો પછી આજથી આપણે એ તરફ પણ ધ્યાન આપવું જોઇએ. પ્રણવોચ્ચારથી ફેફસાંની પ્રાણવાયુ લેવાની ક્ષમતા વધે છે. નિત્ય પ્રણવોચ્ચાર કરવાથી આપણને ઉમંગ અને ઉત્સાહ આખા દિવસ સુધી બની રહે છે.
[ધીરે-ધીરે શ્વાસ લેવાથી કાચબો ૪૦૦ વર્ષ સુધી જીવિત રહી શકે છે જ્યારે જલદી-જલદી શ્વાસ લેવાના કારણે કુતરો ફક્ત ૨૦ વર્ષ સુધી જ જીવિત રહી શકે છે.]
તો પછી આપણને એવું પણ થાય કે ફક્ત દીર્ઘ શ્વસન કરીએ, ૐ બોલવાની આવશ્યકતા શી છે? આ પ્રશ્ન આપણા મનમાં આવવો એ સ્વાભાવિક છે. દીર્ઘ શ્વસનથી લાભ અવશ્ય થાય છે, પરંતુ બુદ્ધિને તેજ બનાવવા માટે પ્રણવ ઉચ્ચારણ આવશ્યક છે. ઓઽઽઽઽઽમ્ કરતાં સમયે આપણા શરીરમાં લહેર પેદા થાય છે અને આ લહેર આપણા મસ્તિષ્ક સુધી પહોંચે છે. મસ્તિષ્કમાં નાના-નાના કરોડો તંતુઓ હોય છે. આ લહેરોથી એ તંતુઓમાં રક્ત પહોંચવાની ગતિ વધી જાય છે, જેથી બુદ્ધિ તેજ થાય છે.
આ પ્રકારે પ્રણવોચ્ચારથી અનેક લાભ થાય છે.
("સંસ્કાર જ્યોતિ" પુસ્તક માંથી)