Thursday, September 4, 2008

કરવામાં સાવધાની, થવામાં પ્રસન્નતા

ईश्वरः सर्वभूतानां ह्रद्देशेअर्जुन तिष्ठति ।
भ्रामयन्सर्वभूतानि यंत्रारूढानि मायया ॥ (ગીતા ૧૮-૬૧)
આનો અર્થ એ થયો કે ઈશ્વર સઘળાં પ્રાણીઓને પોતાની માયાથી ભ્રમણ કરાવતાં સર્વ પ્રાણીઓના હ્રદયમાં સ્થિત છે. તો પ્રશ્ન એ થાય છે કે બધું જ શું ઈશ્વર જ કરાવે છે કે શું?
તો હવે એનો ઉત્તર સાંભળો, એક હોય છે 'કરવું' અને એક હોય છે 'હોવું-થવું', તો 'કરવા' માં તો આપણા સૌનો અધિકાર છે; પરંતુ હોવામાં કે થવામાં આપણો અધિકાર નથી. ભગવાન કહે છે -
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।
मा कर्मफलहेतुर्भुर्मा ते संगोअस्त्वकर्मणि ॥ (ગીતા ૨-૪૭)
તારો કર્મ કરવામાં અધિકાર છે, ફળમાં ક્યારેય નહીં. એટલે તું કર્મફળનો હેતુ ન બન અને તારી અકર્મણ્યતામાં પણ આસક્તિ ન થાવ.
એક તો આપણે કરીએ છીએ અને એક થાય છે. તો કર્મ આપણે કરીએ છીએ અને ફળ હોય છે. કરવામાં કર્તૃત્વનું અભિમાન રહે છે, એ જ આગળ જતાં ફળભોગમાં પરિવર્તન પામે છે. પરંતુ કર્તૃત્વ રહિત જે ક્રિયા થાય છે તે કર્મ નથી બનતી અને તેનું ફળ ભોગમાં પરિવર્તન પામતું નથી. આપણે તો કામ કરીએ છીએ તે કામના તથા આસક્તિને લઈને કરીએ છીએ અને જે થાય છે તે ભગવાન દ્વારા બનાવેલા વિધાનથી થાય છે.
કરવામાં મનુષ્યએ સાવધાન રહેવું જોઇએ અને થાય (બને) તેમાં અને 'થવા-હોવા' માં પ્રસન્ન રહેવું જોઇએ, કરવામાં સાવધાનીનું તાત્પર્ય એ છે કે કર્તૃત્વ અભિમાન તથા ફળની ઇચ્છાનો ત્યાગ કરીને પોતાની પૂરી શક્તિ અને સામર્થ્યથી કાર્ય કરીએ, કેમ કે કર્તૃત્વ અભિમાન અને ફલેચ્છા રાખીને જે કર્મ કરવામાં આવે છે તે બંધન કરનારું હોય છે. પરંતુ -
यस्य नाहंकृतो भावो बुद्धिर्यस्य न लिप्यते ।
हत्वापि स ईमाँल्लोकान्न हन्ति न निबध्यते ॥ (ગીતા ૧૮-૧૭)
જેને અહંકૃત ભાવ નથી અને બુદ્ધિમાં લેપન, આસક્તિ અને કામના વગેરે નથી એ સર્વ લોકોને મારી નાખે તો પણ તે નથી મારતો અને નથી બંધાતો, કેમ કે એનામાં કર્તૃત્વ તથા ભોકતૃત્વ નથી તેથી કરવામાં સાવધાન રહેવાનો અર્થ એ થયો કે કર્તાપણાનાં અભિમાનને અને ભોગેચ્છા એમ બન્નેનો ત્યાગ કરવો. આ કર્તાપણું અને ભોક્તાપણું ભગવાનનું બનાવેલું નથી, એ તો જીવે સ્વયં બનાવ્યું છે -
न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः ।
न कर्मफलसंयोगं स्वभावस्तु प्रवर्तते ॥ (ગીતા ૫-૧૪)
પરમાત્મા ન તો કર્તૃત્વને પેદા કરે છે, ન કર્મો કરાવે છે કે અમુક-અમુક કામ તમે કરો અને ન તો કર્મના ફળ સાથે સંબંધ કરાવે છે કે આ કર્મ કરવાથી તમને આ ફળ મળશે. આ ભગવાને કરેલી રચના નથી. કર્તૃત્વ એણે સ્વયં બનાવ્યું છે, કર્મ એ સ્વયં પોતે કરે છે અને ફળનો ભાગી પણ સ્વયં જ બને છે. મનુષ્યનો અનાદિકાળથી જે સ્વભાવ બન્યો છે, તેને વશીભૂત થઈને કર્મ કરે છે, પરંતુ તે માની લે છે કે પોતે કાંઈ કરે છે, પ્રભુ-પ્રેરણાથી કરે છે. વાસ્તવિકતા એ છે કે જ્યાં સુધી મનુષ્યમાં કર્તૃત્વ અભિમાન છે, ફલેચ્છા છે, આસક્તિ છે, કામના છે ત્યાં સુધી તે પ્રભુ-પ્રેરણાથી કાર્ય નથી કરતો. તે તો કામનાની પ્રેરણાથી કાર્ય કરે છે, અને એનું ફળ બંધન હોય છે. પરંતુ જ્યારે સ્વાર્થ, કામના, રાગ, વિષમતા વગેરે ન રહે અને અંતઃકરણ નિર્મળ થઈ જાય છે; ત્યારે એ ક્રિયા ફળજનક નથી હોતી, બંધનકારક નથી હોતી.
कर्मण्यकर्म यः पश्येत् । (ગીતા ૪-૧૮)
એટલે કે તે મનુષ્ય કર્મમાં અકર્મ જુએ છે અને -
यस्य सर्वे समारम्भाः कामसंकल्यवर्जिताः ।
ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पंडितं बुधाः ॥ (ગીતા ૪-૧૯)
'સમારમ્ભાઃ' એટલે સમ્યક્ આરંભ, આરંભમાં ઓછી નહીં, અર્થાત્ ક્રિયાઓમાં કિંચિતમાત્ર પણ ત્રુટિ નથી હોતી. અને 'કામસંકલ્યવર્જિતાઃ' એટલે કામનો સંકલ્પ જરા પણ નથી, એવા પુરૂષ 'જ્ઞાનાગ્નિદગ્ધકર્મા' હોય છે અર્થાત્ બધાં જ કર્મ જ્ઞાનરૂપી અગ્નિમાં બળી જાય છે. જ્ઞાન શું છે? જ્ઞાન એટલે પ્રકૃતિ અને પુરૂષનો સંબંધ-વિચ્છેદ થઈ જવો તે જ્ઞાન. યોગ્ય જ્ઞાન ઉત્પન્ન થવાથી પ્રકૃતિ-પુરૂષનો સંબંધ વિચ્છેદ થઈ જાય છે, જે સમયે ક્રિયાઓ બધી પ્રકૃતિમાં રહે છે, આપણા સ્વયંમાં નથી રહેતી, ત્યારે કર્મ બનતું નથી. કર્મ જ્ઞાનરૂપી અગ્નિથી બળી જાય છે. અને જ્ઞાન ક્યારે થાય છે? તો જ્યારે 'સર્વે સમારમ્ભાઃ કામસંકલ્પવર્જિતાઃ' સઘળાં કર્મ કામના વિના, સંકલ્પ વિના થાય છે. જ્યાં સુધી કામ અને સંકલ્પ રહે છે, ત્યાં સુધી ક્રિયાઓ મનુષ્યની સવ્યંની પોતાની હોય છે.
હવે વિચાર એ કરવાનો છે કે જ્યારે ક્રિયાઓ સ્વયંની હોય છે તો આ ક્રિયાઓ કરવામાં આપણે સ્વતંત્ર છીએ કે પરતંત્ર? તો એવું કહેવાયું છે કે કરવામાં એ સ્વતંત્ર છે, ફળ ભોગવવામાં પરતંત્ર છે. પરંતુ કરવામાં પણ અધિકાર અનુસાર સ્વતંત્ર છે, સર્વથા સ્વતંત્ર નથી. જેમ કે, આપણે આપણા દેશમાં રહેવા સ્વતંત્ર છીએ, પરંતુ બીજા દેશમાં જવા માટે ત્યાંથી આજ્ઞા લેવી પડે છે. આ જ રીતે, મનુષ્ય કરવામાં પોતપોતાના ક્ષેત્ર અને અધિકાર અનુસાર સ્વતંત્ર છે. આપણે મનુષ્ય લોકમાં કામ કરવામાં સ્વતંત્ર છીએ. પરંતુ લોકોત્તરમાં જવા સ્વતંત્ર નથી.
બીજી વાત એ છે કે આપણે જે કાંઈ કર્મ કરીએ છીએ એમાં પાંચ હેતુ હોય છે –
अधिष्ठानं तथा कर्ता करणं च पृथग्विधम् ।
विविधाश्च पृथक्चेष्टा दौवं चैवात्र पंचमम् ॥ (ગીતા ૧૮-૧૪)
शरीरवाङ्मनोभिर्यत्कर्म प्रारभते नरः ।
न्याय्यं वा विपरीतं वा पंचैते तस्य हेतवः ॥ (ગીતા ૧૮-૧૫)
આ પાંચ હેતું હોય છે. એમાં વિહિત કર્મના જે સંસ્કાર છે તેઓ પણ હેતુ છે અને જે ચેતન સત્તા છે, તે પણ હેતુ છે.
તો આપનો પ્રશ્ન હતો -
ईश्वरः सर्वभूतानां ह्रद्देशेअर्जुन तिष्ठति ।
भ्रामयंसर्वभूतानि यंत्रारूरढानि मायया ॥ (ગીતા ૧૮-૬૧)
બધાના હ્રદયમાં ઈશ્વર વિરાજમાન છે અને ગાડીના ચાલકની જેમ સઘળાં પ્રાણીઓને તે ફેરવી રહ્યો છે. એટલે કે, મનુષ્ય સ્વયં કશું નથી કરતો, સઘળાં પ્રાણીઓ દ્વારા ક્રિયા કરાવવામાં ભગવાનનો હાથ છે.
તો ભગવાનના હાથ કેટલા છે? તો કહે છે 'यंत्रारूढानि मायया' અર્થાત્ ભગવાન એમની માયાથી મનુષ્યોના કર્મો અનુસાર એમના યંત્રને પ્રેરિત કરે છે. સ્ફુરણા આપે છે. ભગવાન મનુષ્યના સંચિત અને પ્રારબ્ધ કર્મો અનુસાર ક્રિયા કરવામાં પ્રેરણા આપે છે. ઈશ્વર કેવળ સ્ફુરણા આપે છે -
न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः ।
न कर्मफलसंयोगं स्वभावस्तु प्रवर्तते ॥ (ગીતા ૫-૧૪)
ભગવાન "આ કામ તમે કરો", "આ કામમાં લાગી જાઓ" એવી પ્રેરણા આપતા નથી. અને આ ફળ તમારે ભોગવવું પડશે. એવી પણ પ્રેરણા નથી આપતા. અને તમે કર્તા બની જાઓ એ પ્રેરણા પણ ભગવાન આપતા નથી.
ભગવાન શું કરે છે? ભગવાન કેવળ સ્ફુરણા કરે છે. જેનાથી સર્વ ક્રિયાઓ થાય છે. જેવી રીતે વીજળીનું દૃષ્ટાંત લો. વીજળીનો સંબંધ માઈક સાથે કરી દીધો તો અવાજ ફેલાઈ જાય. હીટર સાથે સંબંધ જોડો તો ગરમી થઈ જાય. બરફના મશીન સાથે જોડો તો બરફ જામી જાય. વીજળી યંત્રોને પ્રેરણા આપે છે, પરંતુ અમુક યંત્રથી અમુક કામ કરાવી લઉ એવો આગ્રહ વીજળીનો હોતો નથી. વીજળી નિરપેક્ષ રહે છે, તેની સત્તા-સ્ફુરણાથી બધી ક્રિયાઓ થયા કરે છે.
એવી જ રીતે, ભગવાનની સત્તા-સ્ફુરણાથી મનુષ્યની પોતાના અંતઃકરણનાં સંસ્કારો અનુસાર, સ્વભાવને અનુસાર ક્રિયાઓ થાય છે, એના સ્વભાવમાં કર્તૃત્વ-અભિમાન તથા ફલાસક્તિ મુખ્ય છે. આ કર્તૃત્વ-અભિમાન અને ફલાસક્તિ મનુષ્ય રાખે, ન રાખે એમાં તે સ્વતંત્ર છે. કામના રાખવામાં, ન રાખવામાં, રાગ-દ્વેષ રાખવામાં, ન રાખવામાં મનુષ્ય સ્વતંત્ર છે. પરંતુ જ્યારે આ કર્તૃત્વ-અભિમાન, ફલાસક્તિ, કામના, રાગ-દ્વેષ વગેરે રાખે છે તો આ યંત્રારૂઢ થઈ જાય છે અને ત્યારે 'કરવા' માં તે પરતંત્ર થઈ જાય છે.
એટલા માટે અર્જુને પૂછ્યું -
अथ केन प्रयुक्तोअयं पापं चरित पूरूषः । अनिच्छन्नपि...
ન ચાહવા છતાં પણ પુરૂષ પાપનું આચરણ કેમ કરે છે? તો ભગવાન ઉત્તર આપ્યો કે - 'काम एषः' આ જે કામના છે કે આ મળવું જોઇએ, આ ન મળવું જોઇએ, આમ થવું જોઇએ, આમ ન થવું જોઇએ. આ જ સઘળાં પાપોનું અને અનર્થોનું મૂળ છે. એ પણ કામના છે કે કામિની, કાંચન અને કીર્તિ મળે. પરંતુ કામનાનું મૂળ છે કે મારા મનને અનુકૂળ વાત થઈ જાય અને મનને પ્રતિકૂળ ન થાય.
જ્યાં સુધી કામના રહેશે, ત્યાં સુધી મનુષ્ય પરતંત્ર રહેશે. અને આ કામનાને રાખવામાં અને કાઢવામાં આપણે બિલકુલ સ્વતંત્ર છીએ -
ईन्द्रियस्येन्द्रियस्यार्थे रागद्वेषौ व्यवस्थितौ ।
तयोर्न वशमागच्छत्तौ ह्यस्य परिपन्थिनौ ॥ (ગીતા ૩-૩૪)
ઈન્દ્રિયોમાં રાગ-દ્વેષ છુપાયેલા છે, એ બન્નેના વશમાં ન આવશો, જો રાગ-દ્વેષના દોરાવ્યા પ્રમાણે ચાલશો તો રાગ-દ્વેષને પુષ્ટિ મળશે. પરંતુ રાગ-દ્વેષને વશીભૂત નહીં થાઓ તો રાગ-દ્વેષ મટી જશે. તેથી અહીંયા રાગ-દ્વેષને વશ ન થવાની વાત જણાવી છે. તો રાગ-દ્વેષ મટાડીને યંત્રને શુદ્ધ કરી લો.
અને એજ બીજો ઉપાય બતાવ્યો - 'तमेव शरणं गच्छ' કે જે ઈશ્વર તમામ પ્રાણીઓને ફેરવે છે, એની શરણમાં જાઓ, શરણે જવાથી શું થશે? ભગવાન કહે છે -
मन्ममा भव मद्भक्तो मद्याजी मां नमस्कुरू ।
मामेवौष्यसि सत्यं ते प्रतिजाने प्रियोअसि मे ॥ (ગીતા ૧૮-૬૫)
આવા ભગવાનને શરણે જવાથી બધું જ ઠીક-ઠીક થઈ જશે અને ભગવાનને જ પ્રાપ્ત થઈ જશો. એટલે ઉપાય થયો કે ચાહો તો રાગ-દ્વેષ સમાપ્ત કરીને યંત્રને શુદ્ધ કરી લો, અથવા ભગવાનને શરણે થઈ જાઓ.
તેથી જીવ જ્યાં સુધી કર્તૃત્વ-અભિમાનપૂર્વક પોતાના મન અનુસાર કાર્ય કરશે તો એનું ફળ એણે ભોગવવું જ પડશે અને દુઃખ વેઠવું પડશે.
એટલા માટે એ વિચારવાનું છે કે આપણે જે કરીએ છીએ ઈશ્વરની પ્રેરણાથી કરીએ છીએ, એ વાત ભૂલ ભરેલી, ખોટી છે. આપણે જેવું કર્મ કરીએ છીએ, તે અનુસાર ફળ ભોગવવું જ પડે છે. આ ભગવાનનું વિધાન છે, કે આમ કરશો તો આવું ફળ મળશે. તેથી 'કરવા' માં સદા સાવચેત રહો અને જે થાય છે એમાં પ્રસન્ન રહો કે બધું આપણા પ્રભુના વિધાન અનુસાર થાય છે.
રામ રામ રામ રામ રામ રામ
("જીવનનું સત્ય" પુસ્તક માંથી)

No comments: